બનાસકાંઠા જિલ્લામાં ફાગણ માસમાં કેસુડાના ફૂલોની ફોરમ પ્રસરી

બનાસકાંઠા જિલ્લામાં ફાગણ માસમાં કેસુડાના ફૂલોની ફોરમ પ્રસરી

અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો; બનાસકાંઠા જિલ્લામાં વિશ્વની સૌથી પ્રાચીન અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. આ ગિરિમાળાઓમાં સૌથી વધુ વૃક્ષો પૈકી ખાખરાના વૃક્ષની સંખ્યા વધુ છે. ફાગણ માસમાં દર વર્ષે ખાખરાના વૃક્ષ પર કેસુડાના ફૂલ આવે છે. આ વર્ષે પણ ફાગણ માસમાં કેસુડાના ફૂલના કારણે બનાસકાંઠાના વન વિસ્તારે જાણે કેસરી સ્વરૂપ ધારણ કર્યું છે. બાલારામ, જેસોર અને અંબાજી વન્યજીવ અભ્યારણ વિસ્તારમાં કેસુડો સોળે કળાએ ખીલ્યો છે.જેથી પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી રહ્યા છે.

બનાસકાંઠાના જંગલોમાં કેસૂડાના ફૂલો ત્રણ પ્રકારના દેખાય છે. કેસરી, રાતા અને પીળા.આ ત્રણ રંગના ફૂલનું અલગ અલગ મહત્વ છે. જેમાં સૌથી વધુ કેસરી રંગના કેસૂડા વધુ પ્રમાણમાં છે, જ્યારે પીળા રંગના કેસૂડાના ફૂલો ખૂબ ઓછા પ્રમાણમાં દેખાય છે. કેસૂડાના ફૂલને “પલાશ” પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નોંધનિય છે કે, આદિવાસી સમાજ દ્વારા અગાઉ કેસૂડાના રંગનો ધૂળેટીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ફાગણ માસમાં રંગોનો પર્વ હોળી-ધુળેટીનો તહેવાર આવે છે. વર્ષો પહેલા જ્યારે કેમિકલયુક્ત રંગનું સામ્રાજ્ય સમાજ પર ન હતું. ત્યારે આદિવાસી લોકો કેસુડાના ફુલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરતા હતા. હોળી દરમ્યાન આદિવાસી સમાજમાં થતા ગેર નૃત્યમાં આદિવાસી લોકો કેસુડાના ફુલ થકી તૈયાર કરેલા રંગ લગાડી હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરતા હતા. એટલું જ નહીં, બાળકોને ગરમીમાં લુ સહિત અનેક બીમારીઓમાં પણ કેસુડાના ફૂલ ફાયદાકારક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *