ઉત્તરાયણ પર ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવ્યા: શિયાળાની ઋતુમાં બનાસકાઠાના ડીસાની કરુણાનિધિ નામની એન.જી.ઑ. અબોલ પશુઓ માટે આગળ આવી છે. અને અત્યારે રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે 5000 કિલો લાડુ બનાવી રહી છે.આ લાડુ ઉત્તરાયણના પર્વ નિમિત્તે અબોલ પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે.
ડીસામાં સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત કરુણાનિધિ નામની એન.જી.ઑ. દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં શ્વાનો અને ગાયોને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં, ઘી, તેલ અને ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે. આ લાડુઓ આખા શહેરમાં રખડતાં બિનવારસી પશુઓને પીરસવામાં આવી રહ્યા છે. આ ટ્રસ્ટનો હેતુ રખડતા પશુઓને ઠંડીમાં પૌષ્ટિક આહાર મળી રહે તેવો હોવાનું ટ્રસ્ટ પ્રમુખ ભરતભાઈ ભાગ્યસાળીએ જણાવ્યું હતું.
જે રીતે શિયાળામાં માનવીઓને પૌષ્ટિક આહારની જરૂરિયાત ઊભી થતી હોય છે તેવી જ રીતે પશુઓને પણ શિયાળા દરમ્યાન પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે માટે જ આ કરુણાનિધિ એન.જી.ઑ એ તૈયાર કરેલા લાડુ બનાવી અબોલ પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે. જોકે આ સેવાના કામમાં મહિલાઓ ઊપરાંત શાળાના બાળકો પણ જોડાયા હતા. જેમાં સંસ્થાની ટહેલ થી લોકોએ એક મુઠ્ઠી ઘઉંનું દાન કરતા એ ઘઉં 5000 કિલો લાડુ બનાવી શકાય તેટલા થઈ ગયા. આમ ડીસાની વિવિધ શાળાના બાળકોનો પણ એક મોટો ફાળો આ અબોલ પશુઓની સેવા માટેનો કહી શકાય. આમ હાલ કરુણાનિધિ ટ્રસ્ટ જીવદયાના ભાગરૂપે આ 5000 કિલો લાડુ બનાવીને પશુઓને પૌષ્ટિક આહાર આપવાનું કામ કરીને લોકોમાં એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.