મહેસાણા જિલ્લાનું ઐઠોર ગામ કે જે ગણપતિ મંદિરના લીધે અતિ પ્રસિદ્ધ છે, પ્રતિ દિવસ અહીંયા હજારો ભક્ત દાદાના દર્શન કરવા આવતા જતાં હોય છે, આમ તો ઐઠોર ગામ ઊંઝા જેવા વિકસિત શહેરને અડીને આવેલું નાનકડું ગામ છે પરંતુ આ ગામમાં વિકાસના નામે રાજકીય રમતો રમાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સુવિધાઓથી સભર ગામ હોવા છતાં પણ આ ગામના રોડ રસ્તા ખખડધજ હાલતમાં અને લેવલિંગ વગરના થઈ ગયા છે. જ્યાં પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા આવતા યાત્રિકોને આવાગમનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ રસ્તાના સમારકામ અને લેવલિંગ બાબતે ઐઠોર ગામના ગ્રામજનોએ અનેકોવાર સ્થાનિક ધારાસભ્ય તેમજ તંત્રના જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક આવેદનો આપ્યા છે છતાં પણ ઐઠોર ગામના રોડ રસ્તા બાબતે ના તો તંત્રને કાઈ પડી છે કે ના તો સ્થાનિક ધારાસભ્યને કોઈ રસ છે. ઐઠોર ગામના એક જાગૃત યુવક આશિષ પટેલે વારંવારની રજુઆત બાદ લેખિત અરજી આપી હતી, જે અરજી આપે પણ આશરે દસ મહિના કરતળો સમય વીતી ગયો પણ સ્થાનિક તંત્રના નઠોર અધિકારીઓ કે ઊંઝા ધારાસભ્યએ કોઈ પણ કામગીરી કરી નથી. જેના લીધેતંત્રના જવાબદાર અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યની નીરસ કામગીરીને લઈને સ્થાનિકો રોષે ભરાઈ આવનારી ચૂંટણીમાં જવાબ આપીશું તેમ કહેતા પણ જોવા મળી રહ્યા છે.
ઐઠોર જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાને રોડ રસ્તા બાબતે અનેકવાર મીડિયામાં અહેવાલ રજૂ થયા છે છતાં તંત્રના અધિકારીઓ કે ધારાસભ્યના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે સવાલ એ થાય છે કે ગામના લોકો અને દર્શનાર્થે આવતા ભક્તોની વધતી જતી હેરાનગતિ માટે જવાબદાર કોણ તંત્રના અધિકારીઓ કે સ્થાનિક ધારાસભ્ય કે પછી રાજકીય આગેવાનો??