શિવનગર સોસાયટીમાં 10 દિવસથી ડહોળું પાણી આવતાં નગરજનોમાં ફફડાટ
થરાદ શહેરના શિવનગર સહિત બજારમાં કેટલીક સોસાયટીઓમાં ગંદુ પાણી આવવાથી પ્રજાના
આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવાનો રોષ પણ પ્રસરવા પામ્યો છે. નગરપાલિકા સુત્રોએ આ અંગે કેનાલમાંથી પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું.: થરાદ નગરના શિવનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લખેનીય છેકે પાલિકા દ્વારા પ્રજાને કેનાલમાંથી પાણી લઇને આપવામાં આવે છે. અને પાલિકા સુત્રોએ કેનાલમાંથી જ પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું.
બીજી બાજુ આ પાણીનો ઉપયોગ થરાદ શહેર અને થરાદ-વાવ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવા માટે કરે છે. બીજી બાજુ હાલ કોઈ ગંદા પાણીના ટ્રીટમેન્ટ થઇ શકે એવો કોઈ પ્લાન્ટ પણ નથી. આથી આ પાણી લોકોના આરોગ્ય માટે અનુકુળ નથી. પરિણામે આ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલ છે, નગરના નાગરીકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અપાતા આ પાણીથી આમ લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે, આથી જો રોગચાળો ફાટી નીકળશે તો સમગ્ર જવાબદારી સરકારી તંત્રની રહેશે. ડહોળું પાણી આવતાં આરોગ્ય કથળવાની દહેશતની રહીશોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી.