પેટા શાળા ૨૦૧૮ ના વર્ષમાં મંજૂર પણ હજી સુધી ઓરડા એક પણ નહીં: રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્નો કરીને બાળકોનો પ્રવેશ ઉત્સવ કરીને બાળકોને પ્રોત્સાહન આપે છે પણ પ્રાથમિક શાળામાં ઓરડા જ નથી તો બાળકો અભ્યાસ કંઈ રીતે કરે ? તેવો સવાલ ઉભો થયો છે. ભાભર તાલુકાના છેવાડાના વિસ્તાર વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળાને સને ૨૦૧૮ માં મંજુરી મળી પણ અત્યાર સુધી શાળામાં ઓરડા નથી બન્યા. આ પેટા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ ના ૪૦ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા મંજુર થઈ ત્યારે ૭૦ બાળકોની સંખ્યા હતી. ઓરડાના હોવાથી ખૂલ્લામાં લોખંડના પતરાંના શેડ નીછે બેસીને ભૂલકાઓ અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
૧ થી ૫ ધોરણ વચ્ચે ઓરડાની અછત ના કારણે વિધાર્થીઓનું ભાવી અંધકારમય બનતાં વિધાર્થીઓને ઉનાળામાં ગરમી,શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી અને ચોમાસામાં વરસાદથી બાળકો નિર્ભયતાથી અભ્યાસ કરી શકે તેની ચિંતા વિધાર્થીઓના વાલીઓને સતાવતાં વાલીઓ સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાંથી સર્ટી કઢાવીને પોતાના બાળકોને વિજાપુર નવા પ્રાથમિક શાળામાં દાખલ કરીને પાંચ કી.મી. દુર અભ્યાસ માટે મોકલવા મજબૂર બન્યા છે.તેથી સરદારપુરા પેટા શાળામાં માત્ર ૩૫ થી ૪૦ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે નાના ભૂલકાંને બીમારીનો પ્રશ્ન સતાવતા બાળકોની શાળામાં હાજરી ઓછી છે. શાળામાં ટોયલેટની વ્યવસ્થા છે પરંતુ એક પણ ઓરડો નથી. હાલ શિયાળું સુસવાટા મારતાં ઠંડા પવનમાં વિધાર્થીઓ શેડમાં અભ્યાસ કરી રહ્યા છે.તેથી સરકાર સાથે શિક્ષણ વિભાગ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.