પાલનપુર તાલુકાના નળાસર ગામે ખેતરમાં ભાગ્ય તરીકે મજૂરી કરતા યુવકને હડકવા ઉપાડતા લોકોએ દોરડાથી બાંધીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં દોરડાઓ તોડી નાખતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે યુવકને કાબુમાં કરવા પોલીસ બોલાવવી પડી હતી.
પાલનપુર તાલુકામાં આવેલ નળાસર ગામમાં ભાગિયા તરીકે મજૂરી કરતા રહેતા મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ભગોરી ગામના યુવક દેવાભાઈ હરિભાઈ ડુંગરીને ત્રણ માસ અગાઉ એક હાડકાયેલ શ્વાન કરડ્યું હતું. યુવક દ્વારા સમયસર યોગ્ય સારવાર ન લેતા હડકવા ઉપડ્યો હતો. યુવક ની અંદર શ્વાનના લક્ષણો જોવા મળ્યા હતા. તે શ્વાનની જેમ ભસવા અને ચાર પગે ચાલી લોકોને કરડવા દોડતો હતો. ગત શુક્રવારની રાત્રે અચાનક હુમલો કરતા યુવકને હડકવા ઉપડ્યો હોવાની ખબર પડી હતી. જે બાદ આસપાસના લોકોએ ભારે જહેમત ઉઠાવી દોરડાથી બાંધી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા તેની સારવાર શરૂ કરી હતી. યુવક દ્વારા ચાલુ સારવારે બાંધેલા દોરડા તોડી હિંસક બનીને ધમાલ મચાવતા યુવકને એક રૂમની અંદર પૂરી દેવામાં આવ્યો હતો. જ્યાં તે લોખંડની પાઇપને બટકા ભરતો હતો. યુવક હિસક બનતા બનાસકાંઠા એસ.પી. ને જાણ કરી હતી. એસપી દ્વારા પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના સ્ટાફને જાણ કરાતા પોલીસ માછલી પકડવાની જાળ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. વન વિભાગના અધિકારીને જાણ કરી પ્રાણીને બેભાન કરવા માટે વપરાતી ગનની મગાવવા જાણ કરી હતી. તે દરમિયાન યુવક વોર્ડની બારીમાં આવીને પાણી માંગતા દર્દીના સગા દ્વારા તેને બારીના સળિયા જોડે બાંધી દીધો હતો. અને તેને કાબુમા કરી ઘેરણનું ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરવામાં આવી હતી.
હડકવાના દર્દીનું મૃત્યુ નક્કી છે – ડૉ. સુનિલ જોશી
સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર સુનિલ જોશી જણાવ્યું હતું કે, યુવકને ત્રણ માસ અગાઉ શ્વાન કરડ્યું હતું. હડકવા વિરોધી રસી લીધી ના હોઈ હડકવા ઉપડ્યો છે. હડકવાની કોઈ ચોક્કસ સારવાર નથી અને તેની કોઈ રસી હજી સુધી શોધાઈ નથી તેથી આ યુવકનું મૃત્યુ નક્કી છે. હડકવાના દર્દી નો દર્દી હિંસક બની મારવા અને કરડવા દોડે છે. હડકવા થયેલ દર્દીને પાણીનો ડર લાગતો હોય છે.

