ડીસા તાલુકાના વીરૂણા ગામે પ્રેમ લગ્ન મામલે યુવતીના પરિવારજનોએ યુવકના પરિવાર પર હુમલો કરી યુવતી અને તેની દોઢ વર્ષની દીકરીનું અપહરણ કરીને લઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે ૧૨ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં તેઓ વતન વીરુણા ખાતે આવતા રાત્રે પોતાના પરિવારજનો સાથે સુતા હતા.
ત્યારે રાત્રિના બારેક વાગ્યે અંધારામાં એક સ્વીફ્ટ કાર, જીપડાલું તેમજ અન્ય વાહનોમાં તેના સાસરી પક્ષના લોકોએ આવી અચાનક હુમલો કર્યો હતો. જેમાં પરિવારજનોને ગંભીર ઈજા પહોંચાડી તેમની પત્ની તેમજ દોઢ વર્ષની બાળકીને જબરજસ્તીથી ઉઠાવી સ્વીફ્ટ કારમાં લઈને નાસી છૂટયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને ડીસા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે