પોલીસે બાઈક સહિત દેશી બંદુક જપ્ત કરી; ડીસા તાલુકાના ઢુંવા ગામ નજીક નીલગાયનો શિકાર કરવા ફરતા ત્રણ શખ્સો એસઓજી પોલીસની ટીમને જોઈને નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી બાઈક તેમજ દેશી બંદૂક સહિતનો મુદ્દા માલ જપ્ત કરી નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયનો શિકાર કરવા ટોળકી ફરતી હોવાની બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસની એસોજી ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડીસા તાલુકાના ઢુવા ગામ નજીક જતા ઝાડિમાં ત્રણ શખ્સો બાઈક મૂકીને નાસી છૂટતા દેખાયા હતા. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા પલ્સર બાઈક તેમજ એક નાળીવાળી દેશી બંદુક, એક મોબાઈલ ફોન તેમજ બંદૂકમાં ભરવાના છરા સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ નાસી છૂટેલા શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ બાબતે અજાણા શખ્સો વિરુદ્ધ આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા પંથકમાં નીલ ગાયનું પ્રમાણમાં વિશેષ છે. વળી મોટાભાગના ગૌચર માં દબાણ થઇ જતા અબોલ પશુ ઓ માટે કોઈ ચરવાની જગ્યાના રહેતા આ અબોલ એવા નીલ ગાય રોડ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે. ત્યારે આ જીવ નું સરક્ષણ પણ જરૂરી છે. આ બાબતે ફોરેસ્ટ વિભાગ સખત કાયદો અમલમાં મૂકી તેનું સરક્ષણ કરે તે બાબત આવશ્યક છે.