જુનાડીસામાં કુદરતી કોતરોની માટીનું આડેધડ ખનન
જવાબદાર તંત્રના આંખ આડા કાનથી માટી માફીયાઓને મોકળું મેદાન: બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીની રેતીની મોટાપાયે તસ્કરીની રોજીંદી બુમરાડ વચ્ચે ઠેરઠેર કુદરતી કોતરોનું પણ આડેધડ કચ્ચરઘાણ થઈ રહ્યું છે.જેમાં ડીસા તાલુકાના જુનાડીસા ગામે કોતરોની માટીની પણ મોટાપાયે ડંપરો દ્વારા રાતના સુમારે ચોરી થઈ રહી છે.
ઐતિહાસિક જુનાડીસા ગામ ચારે બાજુ કુદરતી કોતરોથી ઘેરાયેલું છે. જે ગામની કુદરતી સંરક્ષણ દિવાલ ગણાય છે કારણ કે આ કોતરોના કારણે ગમે તેવા વરસાદમાં પણ પુરનું પાણી ગામમાં આવી શકતું નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગામની ધરોહર સમાન કોતરોનું આડેધડ ખનન થઈ રહ્યું છે. વર્ષોથી થતા ખનનને કારણે કુદરતી કોતરોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. ઘણી જગ્યાએ ઊંચી કોતરો નામશેષ થઈ ગઈ છે અને ત્યાં સપાટ જમીન બનાવી ખેતી પણ થવા લાગી છે. તેમ છતાં જવાબદાર ખાણ અને ખનીજ વિભાગ સહિતના તંત્રની ચુપકીદીને લઈ માટી માફીયાઓને મોકળું મેદાન મળી ગયુ છે.
હાલમાં કાતિલ ઠંડીને લઈ જુનાડીસા ગામના હાઇવે નજીક આવેલ શાંતિધામ પાસેની કોતરોમાં રાતના સુમારે લાખો મેટ્રિક ટન માટીની ખુલ્લેઆમ તસ્કરી થઈ રહી છે.તેથી અંધારું થતા જ ડીસા -પાટણ હાઈવે ઉપર માટી ભરીને જતા ડમ્પરો અચૂક નજરે પડે છે. તેથી કુદરતી કોતરો નામશેષ થવા લાગી છે. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા તંત્ર આળસ ખંખેરી માટી માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
રાતના સમયે ધમધમતો ગોરખધંધો: ગામલોકો માટી ખનનમાં ગામના જ કેટલાક હિત શત્રુઓ સંડોવાયેલા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આ મામલે ડીસા ગ્રામ્ય મામલતદારનો સંપર્ક કરતા તેમણે આ ગૌચરની જમીન હોઈ ટીડીઓના સેજા હેઠળ આવે તેમ જણાવ્યુ હતું.તેથી ગામલોકોની હાલત ‘જાયે તો જાયે કહાં’ જેવી થઈ છે જ્યારે બીજી બાજુ રાતના સમયે કોતરોની માટીનું આડેધડ ખનન થઈ રહ્યું છે.