એક આરોપીની અટકાયત,ગુનો દાખલ
આગામી ઉત્તરાયણ તહેવારના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા (પાલનપુર) દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક જાહેરનામાના કડક અમલ માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સતર્ક બની છે. તાજેતરમાં, પ્રતિબંધીત સ્કાયલેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) અને ચાઇનીઝ/પ્લાસ્ટિક/નાયલોન દોરીના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા જાહેરનામાના ભંગ બદલ એક ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પો.કો. નરેશભાઈ દેવજીભાઈ,હે.કો. રમણલાલ બચુજી અને અ. હેડ.કો. કિરીટસીહ ભુપતસીંહની ટીમે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, ડીસા રાજપુર ચાર રસ્તા પાસે રોડ પર પ્રતિબંધીત ચાઇનીઝ પતંગ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાની ખાનગી બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી એક ઈસમ પ્લાસ્ટિકના કટ્ટા સાથે ઊભો હતો, જેનું નામ પૂછતાં તેણે ગુલામ મોઇનુદ્દીન મુમતાજહુસેન સોલંકી (ઉં.વ. ૨૨, રહે. રાજપુર ખારા કુવા, ડીસા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પંચોની હાજરીમાં કટ્ટાની તપાસ કરતાં તેમાંથી બ્લુ કલરની ચાઇનીઝ દોરીની કુલ ૦૬ નંગ ફીરકીઓ (રીલ) મળી આવી હતી.જેથી પોલીસેચાઇનીઝ દોરીની ફીરકી (રીલ) નંગ: ૦૬ અંદાજિત કિંમત: રૂ. ૧,૦૦૦/- પ્રતિ રીલ લેખે કુલ રૂ. ૬,૦૦૦/-કબ્જે લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપી ગુલામમોઇનુદ્દીને જણાવ્યું કે તે આ દોરી આશરે પાંચેક દિવસ પહેલાં રાજસ્થાનથી પરત આવતી વખતે એક અજાણ્યા માણસ પાસેથી લાવ્યો હતો. તેની પાસે આ દોરી વેચવા માટે કોઈ લાયસન્સ કે પાસ-પરમીટ નહોતું.પોલીસે ગેરકાયદેસર અને વગર પાસ-પરમીટની પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો કબ્જે કરી, આરોપી ગુલામમોઇનુદ્દીન મુમતાજહુસેન વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

