લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના નેતા નઈમ કાસેમે બુધવારે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલ પ્રદેશના આતંકવાદી જૂથોને હરાવે છે, તો તેલ સમૃદ્ધ ખાડી દેશો તેનું આગામી લક્ષ્ય હશે. કાસેમનું આ નિવેદન ઇઝરાયલ દ્વારા કતારની રાજધાની દોહામાં તાજેતરમાં કરાયેલા હવાઈ હુમલા બાદ આવ્યું છે, જેમાં પાંચ હમાસ સભ્યો અને એક કતારી સુરક્ષા અધિકારી માર્યા ગયા હતા. કાસેમે કહ્યું, “અમે કતાર સાથે છીએ, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અમે પેલેસ્ટિનિયન પ્રતિકાર સાથે પણ છીએ.” તેમણે દાવો કર્યો હતો કે ઇઝરાયલનો ઉદ્દેશ્ય મધ્ય પૂર્વના મોટા ભાગમાં ‘ગ્રેટર ઇઝરાયલ’ બનાવવાનો છે.
કાસિમના મતે, લેબનોન, ગાઝા અને અન્ય વિસ્તારોમાં આતંકવાદી જૂથોની હાજરી ઇઝરાયલને આમ કરવાથી રોકી રહી છે. કાસિમે ગલ્ફ દેશો, ખાસ કરીને બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો કે જેમના ઇઝરાયલ સાથે સામાન્ય સંબંધો છે, તેમને આતંકવાદી જૂથોને આર્થિક, રાજકીય અને સામાજિક સમર્થન પૂરું પાડવા હાકલ કરી. તેમણે ચેતવણી આપી, ‘જો દુશ્મન (ઇઝરાયલ) પ્રતિકારને હરાવે છે, જે તે કરી શકશે નહીં, તો પછી તમે આગળ હશો.’ કાસિમનું આ નિવેદન લેબનીઝ સરકારે હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાના લશ્કરી પ્રસ્તાવને મંજૂરી આપ્યાના થોડા દિવસો પછી આવ્યું.

