જાતવાન અશ્વો અને ઊંટ સવારોએ દિલ જીત્યા: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામે સાત દિવસીય અશ્વ મેળાનું આયોજન કરાયું હતું. ગુજરાતના આ સૌથી મોટા મહા મેળામાં ગુજરાત તથા રાજસ્થાનમાંથી ૫૦૦ થી પણ વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો. જાતવાન અશ્વો અને ઊંટના કરતબો જોવા માટે આજુબાજુના ગામોમાંથી જનમેદની ઉમટી પડી હતી.
આ અશ્વ મેળામાં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલના જાતવાન અશ્વો ભાગ લે છે.આ અશ્વ મેળામાં ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો આ સ્પર્ધામાં પોતાના અશ્વની દિલધડક કરતબ બતાવી હતી. જસરા ખાતે બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી આયોજક મહેશભાઈ દવેએ પાંચ દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ શિવરાત્રીના અંતિમ દિવસે જાતવાન અશ્વો વચ્ચે દિલધડક હરીફાઈ સાથે હજારો લોકોએ આનંદ મેળાની મોજ પણ લૂંટી હતી. રાત્રે ૫૧ હજાર દીપ પ્રગટાવી બુઢેશ્વર મહાદેવની આરતી કરી મેળાની રંગેચંગે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ભાવિકોને શકકરીયાના શિરાના મહા પ્રસાદનું વિતરણ; અશ્વ મેળાના અંતિમ દિવસે એટલે કે આજે મહા શિવરાત્રીના પાવન અવસરે જનમેદની ઉમટી પડી હતી અને દાદાના દર્શનનો પણ લ્હાવો લીધો હતો.શ્રધ્ધાળુ ભાઈ બહેનોને બુઢેશ્વેર મહાદેવના નિજ મંદિરે શકકરીયાનો શિરો અને બટાટાની ભાજીના મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વિજેતા પાલકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત; લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામમાં ૨૦૧૨ થી અશ્વ મેળાની શરુઆત કરવામાં આવી હતી. આ અશ્વ મેળો ધીમેધીમે લોકમેળાનું સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. મેળામાં અશ્વોની કરતબો અને આનંદ મેળાનો જિલ્લાવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. અશ્વ મેળામાં યુવા અશ્વ સવારોનો જલવો પણ જોવા મળ્યો હતો. અશ્વ મેળામાં સર્વશ્રેષ્ઠ અશ્વો, ઊંટ અને કાંકરેજી ગાય, વાછરડા તથા નંદીના પાલકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.