5 ઘાયલ R&B વિભાગના અણઘડ વહીવટ અને અધૂરા રોડકામને ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા અકસ્માતનું કારણભૂત ગણાવાયું
મહેસાણા જિલ્લામાં ખેરાલુ-અંબાજી હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી રાજપીપળા જતી એસ.ટી. બસ અને એક પેસેન્જર ઇકો કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં હડાદ તાલુકાના મચકોડા ગામના એક જ પરિવારના પિતા-પુત્ર સહિત 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ખેરાલુના જૈન મંદિર નજીક બની હતી. સ્થાનિક ભાજપના નેતાઓ અને ખેરાલુ નગરપાલિકાના સભ્ય ચેતનભાઈ ઠાકોરે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (R&B) ના છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા અધૂરા અને અણઘડ રોડકામ તથા માર્ગદર્શક બોર્ડના અભાવને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, ખેરાલુના જૈન મંદિર નજીક ખેરાલુ-અંબાજી હાઈવે પર અંબાજીથી રાજપીપળા તરફ જઈ રહેલી એક એસ.ટી. બસ અને એક પેસેન્જર ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઇકો કારમાં હડાદ તાલુકાના મચકોડા ગામનો એક જ પરિવારના પાંચ સભ્યો સવાર હતા, જેઓ હોસ્પિટલથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.
આ અકસ્માતમાં 50 વર્ષીય ચંદુભાઈ લખમણભાઈ અને તેમના 25 વર્ષીય પુત્ર સાગર ચંદુભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે મેનબેન ચંદુભાઈ રોહિસા, વીણાબેન ઠાકોર અને રોહિત ઠાકોર (વડોસન) સહિત અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ સ્થાનિક ભાજપના નેતાઓએ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (R&B) ના અણઘડ વહીવટ અને અધૂરા રોડકામ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ખેરાલુના ધારાસભ્યએ પણ આ મુદ્દે R&B વિભાગને પત્ર લખ્યો છે. ખેરાલુ નગરપાલિકાના સદસ્ય અને સ્થાનિક ભાજપ નેતા ચેતનભાઈ ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખેરાલુ-અંબાજી હાઈવેનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ રાજ્ય R&B વિભાગ અને રોડ કોન્ટ્રાક્ટરના અણઘડ વહીવટને કારણે તે હજુ પૂર્ણ થયું નથી.
ચેતનભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ, “જ્યાં રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાં કોઈ પણ પ્રકારના માર્ગદર્શક સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા નથી. આ રોડ પર ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, પરંતુ તેના કોઈ બોર્ડ લગાવવામાં આવતા નથી, જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.” તેમણે ઉમેર્યું કે, લોકોનું પણ કહેવું છે કે R&B ના અધિકારીઓ આ ચાલી રહેલા કામ પર કોઈ ધ્યાન આપતા નથી.આ રોડ અંબાજી જેવા યાત્રાધામને જોડતો હોવાથી અહીં યાત્રિકોના વાહનોની અવરજવર વધુ રહે છે. હાલમાં જ અંબાજી માતાનો મેળો આવી રહ્યો છે, ત્યારે આ રોડ પર ટ્રાફિક વધુ રહેશે. આવામાં રાજ્ય R&B વિભાગના અણઘડ વહીવટને કારણે કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તે અત્યંત જરૂરી છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને સ્થાનિકો તથા વાહન ચાલકોએ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Beta feature
Beta feature



