એચએમપીવી વાઇરસનો કેસ અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે અને ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. ત્યારે હિંમતનગર સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડમાં 5 બેડ તૈયાર કરાયા છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. આશિષ કટારકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાઇરસ. આ વાઇરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. માત્ર સાવચેતી જરૂરી છે. તો આ વાઇરસને લઈને હિંમતનગર સિવિલમાં તૈયારીના ભાગરૂપે સિવિલના ચોથા માળે 57 નંબરમાં આઇસોલેશન વોર્ડ બનાવેલો છે. જેમાં 14 બેડ પૈકી પાંચ બેડ તૈયાર કરાયા છે.
હાલમાં રોજના અંદાજે સરેરાશ 1200 જેટલી ઓપીડી નોંધાય છે. તો ડિસેમ્બર માસમાં 24000 ઓપીડી નોંધાઈ હતી, જેમાં બાળકોના 1150, મેડિસિન 6500, ગાયનેક 1668, જનરલ સર્જરી 2000, ઇએનટી વિભાગના 1400, કેજ્યુએલટીના 3300 જેટલા અંદાજે કેસો નોંધાય હતા. ત્યારે હાલ સુધી કોઈ કેસ આ સિવિલમાં નોંધાયો નથી. તો આ પરિસ્થિતિ સામે સિવિલ હોસ્પિટલ તૈયાર છે.