બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગની ઐતિહાસિક સિદ્ધિ; 105.26 કરોડની આવક નોંધાઈ

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગની ઐતિહાસિક સિદ્ધિ; 105.26 કરોડની આવક નોંધાઈ

જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યદક્ષતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને ટીમ, રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું નેટવર્ક પકડી પ્રથમ વખત કુલ 125 વાહનો પકડીને નોધપાત્ર કામગીરી કરાઈ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લાના ભૂસ્તર વિભાગે વર્ષ 2024-25માં મહેસૂલી આવકના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વિભાગે આ વર્ષે રૂપિયા 105.26 કરોડની વિક્રમજનક આવક નોંધાવી છે, જે જિલ્લાના ઇતિહાસમાં આજ સુધીની સૌથી વધુ આવક છે. આ નોંધપાત્ર સિદ્ધિનો શ્રેય બનાસકાંઠાના જિલ્લા કલેકટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને તેમની સમર્પિત ટીમને જાય છે. જેમણે સતત પ્રયત્નો અને કાર્ય દક્ષતાથી આ લક્ષ્યાંકને પાર પાડ્યો છે.

બનાસકાંઠા જિલ્લો માર્બલ, બિલ્ડીંગ સ્ટોન, રેતી અને ગ્રેનાઈટ જેવા વિવિધ ખનિજોનો ભંડાર ધરાવે છે. જિલ્લામાં કુલ 427 ખનિજ ક્વોરી લીઝ આવેલી છે. અગાઉના વર્ષોની આવક પર નજર કરીએ તો, વર્ષ 2022-23 માં રૂા. 82.45 કરોડ અને વર્ષ 2023-24 માં રૂા. 96.31 કરોડની રોયલ્ટીની આવક નોંધાઈ હતી. આ આંકડાઓ દર્શાવે છે કે વિભાગે સતત વૃદ્ધિ હાંસલ કરી છે અને વર્ષ 2024-25 માં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.

ચાલુ વર્ષે આ વિભાગે કાર્ય દક્ષતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા કુલ 704 કેસો કરીને રૂપિયા 12.30 કરોડની વિક્રમજનક દંડનીય વસૂલાત પણ કરી છે. આ ઉપરાંત, ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પણ સઘન કાર્યવાહી હાથ ધરી છે. જેના પરિણામે ચાલુ વર્ષે એક જ તપાસમાં રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું નેટવર્ક પકડી પ્રથમ વખત કુલ 125 વાહનો પકડીને રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારની ખનિજ બ્લોક ફાળવણીની નીતિને અનુરૂપ, બનાસકાંઠા જિલ્લામાં નવા ખનિજ વિસ્તારો શોધવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે કુલ 36 નવા ખનિજ બ્લોકની ફાળવણી માટે જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પગલું જિલ્લામાં ખનિજ ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

વર્ષ 2024-25 દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ હેઠળ કુલ રૂપિયા 7.61 કરોડની આવક પણ નોંધાઈ છે. આ ફંડનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાના ખાણકામથી પ્રભાવિત ગામોમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડોનું નિર્માણ, નવીન આંગણવાડીઓ, પંચાયત ઘરોનું બાંધકામ અને રોડ-રસ્તાઓના વિકાસ જેવા મહત્વપૂર્ણ કાર્યો પણ આ ડીએમએફ ફંડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ દ્વારા કરવામાં આવી રહેલા આ વિકાસ કાર્યોથી ખાણકામથી પ્રભાવિત વિસ્તારોના લોકોના જીવનધોરણમાં સુધારો આવશે અને તેમને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને તેમની ટીમના નિષ્ઠાવાન પ્રયત્નોને પરિણામે મળેલી સફળતા અન્ય જિલ્લાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *