હિંમતનગરમાં બુધવારે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ અનુસાર પેન્શનરોએ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુને આવેદનપત્ર સુપરત કર્યું હતું. 25 માર્ચ, 2025ના રોજ લોકસભામાં પસાર કરાયેલા વેલિડેશન એક્ટ 2025 ને રદ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવ્યો હતો.
આ આવેદનપત્ર ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવાના આદેશના ભાગરૂપે આપવામાં આવ્યું હતું. પેન્શનરોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ અંગે સાબરકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હીના અધિક મહામંત્રી આર.એચ. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં કુલ 18 હજાર પેન્શનરો છે. જિલ્લાના પેન્શનર હોદ્દેદારો દ્વારા 18 હજાર પેન્શનરો વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 8મા પગારપંચમાં જૂના પેન્શનરોને અન્યાય ન થાય તે માટે ઉક્ત વેલિડેશન એક્ટ 2025 રદ કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી.

