હિંમતનગરના આરટીઓ ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંભીર અકસ્માત સર્જાયો. સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં ચાર મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન ગેસની પાઇપમાં લીકેજ થતાં આગ લાગી હતી. સદનસીબે, રસોડામાં કામ કરતી મહિલાઓ સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા. સ્કૂલ સંચાલકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
108ને જાણ કરવામાં આવતા તેમણે ફાયર વિભાગને સૂચિત કર્યું. ઘટનાસ્થળે 108, ફાયર બ્રિગેડ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ તરત જ પહોંચી ગયા. ફાયર વિભાગની ટીમ ત્રણ બ્રાઉઝર સાથે પહોંચી હતી. આગ અને ધુમાડો વધુ હોવાથી કાબૂમાં લેવામાં સવા કલાક જેટલો સમય લાગ્યો. ફાયર બ્રિગેડે 6000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. ગેસની બોટલને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી. આગમાં રસોડાના ટેબલ સહિતની અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.