કલેકટર-એસ.પી.ને રાષ્ટ્રીય અનુસૂચિત આયોગની નોટીસ; બનાસકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે નોટિસ ફટકારી છે. જ્યારે પાલનપુર તાલુકાના સલ્લા ગામ માં દબાણ દૂર કરાવવા મુદ્દે બનાસકાંઠા ડીડીઓ સામે લાલઘૂમ થયેલી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
વાવ તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિવ મંદિરના પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દલિતોના બહિષ્કાર મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને નોટીસ ફટકારી છે. જેમાં ત્રણ દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાની તાકીદ કરાઈ છે. જેમાં નિર્ધારિત સમયમાં અહેવાલ રજૂ ન થયેથી સમન્સ કાઢવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે.
જ્યારે પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સરપંચ સહિત 22 લોકોના દબાણ દૂર કરવા મુદ્દે હાઇકોર્ટે ડીડીઓ સામે લાલઘૂમ બની છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કલેકટરે કરેલા હુકમ બાદ પણ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર કરાયું ન હતું. દબાણદારોને નોટિસ પણ અપાઈ નથી અને હાઇકોર્ટના આદેશનું પણ પાલન ન થતા ડીડીઓ નો ઉધડો લઈ ચાર્જ ફ્રેમ કરવાની તૈયારી દર્શાવી છે.
ડીડીઓનો ઉધડો લેતી હાઇકોર્ટ..! સલ્લા ગામમાં સરપંચ સહિત 22 લોકોના દબાણ મુદ્દે હાઇકોર્ટે નોંધ્યુ હતું કે, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)એ દબાણ દૂર કરાવવાના કલેકટરના આદેશનું પાલન કર્યું નથી. 22 દબાણદારોને નોટિસ પણ અપાઈ નથી. ગત સુનાવણીમાં પણ યોગ્ય જવાબ રજૂ ન કરાતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ડીડીઓ એ કન્ટેમ્પટ નોટિસનો યોગ્ય જવાબ રજૂ ન કરી પેપરબુકમાં અનડેટેડ રિપોર્ટ રજૂ કરતા હાઇકોર્ટે ડીડીઓનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ડીડીઓએ કલેકટર અને હાઇકોર્ટના આદેશ બાદ પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી નથી. ડીડીઓએ એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કર્યો નથી. ડીડીઓ હાઇકોર્ટના આદેશોને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા હોવાના અવલોકન સાથે હાઇકોર્ટે ડીડીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની તૈયારી દર્શાવી હતી.
દલિત બહિષ્કાર મુદ્દે કલેકટર- એસ.પી.ને નોટીસ; વાવ તાલુકામાં સામાજિક સમરસતાને આંચકો આપનારી ઘટનામાં કલ્યાણ પુરા ગામમાં શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સરપંચ સહિત અનુસૂચિત જાતિના બંધુઓનો ફાળો સ્વીકારવામાં ન આવતા વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ સુલઝાવવામાં ક્યાંક કલેકટર અને એસ.પી. ઉણા ઉતર્યા હોવાની રાવ ઉઠી હતી. ત્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ બાબતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ આપી ત્રણ દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાની તાકીદ કરાઈ છે.
સામાજિક સમરસતા મંચે ઘટનાને વખોડી; વાવ તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિવમંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કલ્યાણપુરા ગામના અનુસુચિત જાતિ સમાજ બંધુઓનો ફાળો સ્વીકારવામાં આવેલ નથી. જે અનુસુચિત જાતિ સમાજ બંધુઓ સાથેના આર્થિક આભડછેટ રાખી અપમાનજનક સ્થિતી ઉભી કરેલ છે. અનુસુચિત જાતિ સમાજના પ્રથમ નાગરીક એવા ગામના સરપંચનો ફાળો પણ સ્વીકારવામાં આવેલ નથી. આ પ્રકારની વિચારધારાથી સામાજિક સોહાર્દ અને ભાઈચારાને દુષિત કરી સમાજમાં અરાજકતા ફેલાય છે. આ પ્રકારની ઘટનાઓ હિન્દુ સમાજને તોડવાનુ કામ કરે છે. આ ઘટનાને સામાજિક સમરસતા મંચ, ગુજરાત સખત શબ્દોમાં વખોડે છે. અને આ પ્રકારની વિચારધારા ધરાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રને અપિલ કરે છે તેવું સામાજિક સમરસતા મંચ એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.