ઉનાળામાં પ્રથમવાર મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર થયું. રવિવારે ડીસાનું મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી નોંધાયું
ગરમીનુ પ્રમાણ વધતા માનવ જીવન સહિત પશુ પંખી ઓ ની હાલત કફોડી બની કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે અને લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. દરમ્યાન રવિવારે ડીસામાં ૪૩.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જે આ ઉનાળાની સિઝનમાં પ્રથમવાર સૌથી ઉચુ તાપમાન રહ્યુ હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરી છે. ત્યારે હજુ પણ ગરમીમાં વધારો થવાની વકી રહેલી છે.
એપ્રિલ મહિનો આકરો તપવા માંડયો છે. છેલ્લા ચારેક દિવસથી સમગ્ર રાજ્ય માં ગરમી વધી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાઓમાં પણ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. રવિવારે તો પારો ઉચકાઈને ૪૩.૩ ડિંગી પહોંચી ગયો હતો. જે આ ઉનાળાનું સૌથી ઉંચુ તાપમાન રહ્યુ હતું. ગરમીમાં વધારો થતાં સવારથી જ આકરો તાપ લાગી રહ્યો છે. જયારે બપોરના સમયે તો શેકાઈ જવાય તેવી ગરમી પડી રહી છે. રાત્રે પણ ઉકળાટથી લોકો તોબાહ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધશે તેવી આગાહી કરી છે. જેમાં ૬ એપ્રિલ થી ૯ એપ્રિલ સુધી જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય હજુ ગરમીમાં વધારો થાય તેવી ભીતિ છે. સમગ્ર એપ્રિલ અને મે મહિના દરમ્યાન કાળઝાળ ગરમી પડી શકે છે અને આ વર્ષે હીટવેવના દિવસો પણ વધુ રહે તેવી શક્યતાઓ રહેલી છે.
હીટવેવથી બચવા શું કરવું જોઈએ?
ગરમીના દિવસોમાં વારંવાર પાણી પીવું જોઈએ કેરી, લીચી, તરબૂચ, મોસંબી સહિતના ફળફળાદીનો ઉપયોગ કરવો: છાશ, કેરીનું સરબત,લીબુ પાણીનો વપરાશ ઉનાળામાં વધુ કરવો જોઈએ તેજ ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ ગરમીમાં સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવાં આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ લૂ લાગે તો ડુંગળી પીસીને તેનો લેપ કરવો જોઈએ
આકરી ગરમીમાં લૂ લાગવાના લક્ષણો; કાળઝાળ ગરમીમાં બહાર નીકળતા લુ લાગવાની શક્યતાઓ વધી જાય છે. માથાનો દુખાવો, ઉબકા આવવા,ચક્કર આવવા,આંખે અંધારા આવવા શરીરનું તાપમાન વધવુ,ચામડી લાલ થવી, થાક લાગવો અને સ્નાયુઓનો દુખાવો તે લૂ લાગવાના લક્ષણો છે. ત્યારે આવા લક્ષણો જણાય તો તરત જ તબીબની સલાહ લેવી જોઈએ
ગરમીના પ્રકોપ વચ્ચે પાણીની સમસ્યાઓ ઉદભવી; બનાસકાંઠા જિલ્લામાં ઘટતા જતા ભૂગર્ભ જળ વચ્ચે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેને લઇ ને પાણીની સમસ્યાઓ માં પણ દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે.
કાળઝાળ ગરમીના કારણે આમ પ્રજાજનો સહિત પશુપંખીઓ ની હાલત પણ કફોડી બની; તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી જતા પ્રજાજનો સહિત અબોલ પશુઓની પણ હાલત કફોડી બની ગઈ છે અને ધોમધખતા તાપ વચ્ચેની છોયડા માં અબોલ પશુઓ આશરો લઇ રહ્યા છે.
ડીસાનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું; ડીસાના હવામાન વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે રવિવારે ડીસાનું મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રીએ પહોંચ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન ૨૩.૦ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહેવા પામ્યુ હતુ જયારે પવનની ગતિ પ્રતિ કલાક ૧૦ કિમી નોંધાઇ છે.