બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના ૫૭થી વધારે અધિકારી-કર્મચારીઓએ કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં ભાગ લીધો; ગરમીના સમયમાં હીટવેવ જેવી કુદરતી આપત્તિના પરિણામે જનજીવન ઉપર થતી પ્રતિકૂળ અસરોને ઘટાડવા તથા જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ (CEEW) દ્વારા રાજ્યના ૧૦ શહેરોનો હીટવેવ એકશન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર સીટીનો સમાવેશ કરાયો છે. આજરોજ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહીર પટેલના હસ્તે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું. આ સાથે કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં ત્રણ જિલ્લાના અંદાજે ૫૭થી વધારે અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે લોન્ચિંગ સહિત ત્રણ જિલ્લાની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે, ગરમીના મોજા વિકરાળ સ્વરુપ ધારણ કરે ત્યારે હીટવેવ બને છે. સતત ગરમીમાં થતો વધારો મનુષ્યના જીવન પર અસર કરે છે. બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો, ટ્રાફિક પોલીસ, શાળાએ જતા બાળકો હીટવેવનો ભોગ ના બને તે માટે સુઆયોજિત પ્લાન થાય તે જરૂરી છે. હીટવેવની પ્રતિકૂળ અસરો ઓછી કરી શકીએ છીએ તેમ જણાવ્યું હતું.
કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં હીટવેવથી બચવા સંદર્ભે ઇમ્પલિમેન્ટ્સ, સુરક્ષા સુનિશ્ચિત કરવી, પરંપરાગત મેથડનો ઉપયોગ, જન જાગૃતિ સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ વર્કશોપમાં વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

