ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ પાકિસ્તાની નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડી દેવાનું કહી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતે ગુરુવારે જાહેરાત કરી હતી કે 27 એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવામાં આવશે. મંગળવારે થયેલા આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
વિદેશ મંત્રાલયે 24 એપ્રિલે કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવશે, જ્યારે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ સુધી માન્ય રહેશે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ તેમના વિઝા સમાપ્ત થાય તે પહેલાં દેશ છોડી દેવો પડશે. સંઘવીએ વડોદરામાં કહ્યું, ‘કેન્દ્ર સરકારના નિર્ણયોનો અમલ કરવો એ દરેક રાજ્ય સરકારની ફરજ છે, ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવા નિર્દેશ આપ્યો છે.