24 ગ્રામ પંચાયતના ડે. સરપંચની ચૂંટણી જાહેર,ગામોમાં ઉત્તેજના
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં 3 ગ્રામ પંચાયત સમરસ જાહેર થયા બાદ હવે 24 ગ્રામ પંચાયતના ડે.સરપંચની ચૂંટણી જાહેર થતા ભર ચોમાસે ગ્રામીણ વિસ્તારોમાં ફરી એકવાર રાજકીય ગરમાવો છવાયો છે. લાખણી તાલુકા પંચાયતમાંથી મળતી માહિતી મુજબ 10 જુલાઈના રોજ લાલપુર, લાખણી, ડેકા, આગથળા, માણકી, શેરગઢ, કૂવાણા, ડેરા, નાદલા, કાતરવા, ટરુવા અને ચિત્રોડા ગૃપ તથા 11 જુલાઈના રોજ કસળપુરા,ડોડીયા,ભેમાજી ગોળીયા, ભાકડીયાલ, સરકારી ગોળીયા, અમરપુરા,વકવાડા, લવાણા, ભીમગઢ તેમજ 14 જુલાઈના રોજ કેસરસિંહ ગોળીયા, વાસણા વાતમ અને અછવાડિયા ગ્રામ પંચાયતના ડે. સરપંચની ચૂંટણી યોજાશે.જેને લઈ આ ગામોમાં ફરી એકવાર રાજકીય ગરમાવો છવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોમાં સરપંચ ગામનો રાજા ગણાય છે. જે તલાટી સાથે મળી ગામનો વહીવટ કરે છે પણ સરપંચ અભણ કે વહીવટી કામોમાં પારંગત ન હોય તો ડે. સરપંચનું મહત્વ વધી જાય છે. તેમ છતાં ગામડાઓમાં ડે. સરપંચનું પદ પણ મોભાવાળું ગણાય છે. તેથી ડે. સરપંચની ચૂંટણીને લઈને પણ ગામડાઓમાં દાવપેચ અને કાવાદાવા શરૂ થઈ ગયા છે.

