પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પાછળ મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો હોય સ્થળ પરથી સિરીંજ, દવાઓની ખાલી બોટલો, પ્લાસ્ટિકની નળીઓ અને અન્ય જૈવિક કચરો ખુલ્લામાં મળી આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા અને આ બાબતને અખબારોએ પ્રકાશિત કરતાં ગુરૂવારે પાટણ ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી, પોલ્યુશન બોર્ડ, સ્થાનિક કોર્પોરેટર અને આરોગ્ય વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
અને આ પ્રકારનો ખુલ્લો કચરો જાહેર આરોગ્ય માટે જોખમી છે અને ચેપી રોગો ફેલાવી શકે તેમ હોવાનું જણાતા તેનો યોગ્ય નિકાલ કરવાની સાથે આ બાયોમેડિકલ વેસ્ટ મામલે તપાસ ના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ બાયોમેડિકલ વેસ્ટ મામલે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે તો સ્થાનિક રહીશોએ નગરપાલિકા પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે, મેડિકલ વેસ્ટમાં હોસ્પિટલની ફાઈલ, દવાના બોક્સ અને સિરીંજ મળી આવી છે. પોલ્યુશન બોર્ડ સાથે વધુ તપાસ ચાલી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે ફરિયાદ નોંધવામાં આવશે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તો આ ઘટના બાદ પણ પાલિકા તંત્ર ના એક પણ અધિકારીઓ સ્થળ પર ન ફરકતાં લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

