અમીરગઢ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો, લારી-ગલ્લા અને પાર્લર પર આશ્ચર્યજનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું પાલન ન કરનારા વેપારીઓ પાસેથી કુલ ₹650નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારીની સૂચના હેઠળ કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલભાઈ ચંદેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. ઇકબાલગઢ અને તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી.
આ કાર્યવાહી 13 ઓક્ટોબર, 2025ના રોજ વિકાસ સપ્તાહના ભાગરૂપે કરવામાં આવી હતી. ‘વિશ્વ તમાકુ નિષેધ’ની થીમ ‘Exposing Industry Tactics on Tobacco and Nicotine Products’ (તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો) ના સંપૂર્ણ અમલીકરણના હેતુથી ઇકબાલગઢ ગામમાં આ ચેકિંગ કરાયું હતું. કોટપા એક્ટની કલમ 6(અ) હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન, લારી-ગલ્લા અને હોટલોને સ્વચ્છતા જાળવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ દુર્ગેશભાઈ પ્રમાણી, સાધુ પ્રકાશભાઈ, રાણા રોહિતભાઈ અને ચૌહાણ અલ્કેશભાઈ જોડાયા હતા

