શિહોરી તાલુકા મથક વિસ્તારમાં ભૂગર્ભ જળ તળીયા ઝાટક

શિહોરી તાલુકા મથક વિસ્તારમાં ભૂગર્ભ જળ તળીયા ઝાટક

પાણીના તળ દિન પ્રતિદિન ઊંડા ઉતર્યે જતા ગંભીર જળ સંકટના એંધાણ

પંથકના ગામ તળાવો નર્મદાના નિરથી ભરવા પ્રજા અને ખેડૂતોની માંગ; બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સહિત પૂર્વ વિસ્તારના ગામોમાં ભૂગર્ભ જળ ઉતરોતર તળીયે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ મોંઘીદાટ બનેલી ખેતીથી ખેડૂતોને પિયત કરવા માટે બોર ચલાવવા મુશ્કેલ થઇ રહ્યા છે અને ઉતરોતર શિહોરી વિસ્તારમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે. ખેડૂતોને દર વરસે ઉનાળામાં બોરમાં કોલમ ઉતારવી પડે છે અને અત્યારે પણ વીસ ફૂટની કોલમો બોરમાં ઉતારી રહ્યા છે. છતાંય બોરના પાણી  ડ્રોડાઉન થઇ એર લઈ રહ્યા છે. અત્યારે આઠસો ફૂટ કરતા ઊંડા પાણીના તળ પહોંચ્યા છે….!

શિહોરી વિસ્તારમાં કોઈ પણ નહેર નથી અને તળાવો ખાલી ખમ પડ્યા છે. જીવા દોરી ગણાતી બનાસ નદી કોરી ધાકોર છે. વર્ષો પહેલાં બનાસ નદી બારે માસ વહેતી હતી. ત્યારે કાંકરેજ તાલુકાનો પૂર્વ વિસ્તાર હરિયાળો હતો પરંતુ નદીનું વહેણ બંધ થતાં અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે અને આ વિસ્તાર ભેકાર ભાસી રહ્યો છે. વડીલ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જયારે રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં પીવાના પાણીની તંગી હતી. ત્યારે શિહોરી વિસ્તારમાંથી પાણી પુરવઠાના બોર રાત દિવસ ચાલુ રાખી પશ્ચિમ વિસ્તારમાં પાણી પહોંચાડયુ હતું. વર્ષો પહેલા શિહોરી – ઉંબરીમાં પાણી પુરવઠા વિભાગના બોર રાત દિવસ ચાલુ રાખી રાધનપુર સાંતલપુર વિસ્તારને પાણી પૂરું પાડ્યું હતું. તેથી હવે પાણીના તળ ખાલી થઈ ગયા છે. જેના કારણે આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે અને આગામી સમયમાં આ વિસ્તારને પાણી માટે વલખા મારવા પડે તેવી નોબત આવી છે. ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાને સરકાર ધ્યાને લઈ આ વિસ્તારના ગામ તળાવો ભરવામાં આવે તેમ શિહોરી વિસ્તારના ગામોની આમ પ્રજા અને ખેડૂત વર્ગ ઈચ્છી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *