બનાસ મેડિકલ કોલેજના ૧૭૦ વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારંભ યોજાયો
બનાસકાંઠામાં કેન્સર અને કિડનીની હોસ્પિટલ બનશે,મેડિકલ કોલેજ ખાતે પી.જીનો અભ્યાસક્રમ શરૂ કરાશે; અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
દેશને સૈનિકો તથા સૈન્ય અધિકારીઓ આપી શકાય તે માટે સૈનિક શાળાની શરૂઆત કરાઈ; અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરીયા ખાતે એમ.બી.બી.એસના વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારંભ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૧૯ની બેન્ચના એમ.બી.બી.એસના ૧૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો આત્મનિર્ભર બને તે માટે બનાસ મેડિકલ કોલેજની સ્થાપના કરાઈ હતી. આજે એ વાતની ખુશી થાય છે કે અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર પદવી મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં મેડિકલ કોલજે ખાતે પી.જી સહિતના અભ્યાસક્રમો શરૂ કરાશે. મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. જિલ્લામાં કેન્સર અને કિડનીની હોસ્પિટલ પણ ઊભી કરાશે. આજે જિલ્લામાં ગાયના ગોબરમાંથી સીએનજી બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં બનાસ સુપર ફૂડ ક્ષેત્રે પણ આગળ વધશે. દેશને સૈનિકો તથા સૈન્ય અધિકારીઓ આપી શકાય તે માટે મેડિકલ કોલેજ ખાતે સૈનિક શાળા પણ શરૂ કરાઈ છે.
પદવી એનાયત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ટેકનોલોજી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તબીબી ક્ષેત્રે નિપુણતા સાથે સમાજ સેવા પણ અગત્યની બની રહે છે. ગુજરાતમાં સૌપ્રથમ પી.પી.ઈ મોડલ આધારિત બનાસ મેડિકલ કોલેજ બની હતી જેનો શ્રેય અધ્યક્ષ શંકરભાઈને જાય છે. આ વખતે ૭૨૫૦ સીટો સાથે નવી ૪૫૦ એસેસન્સિયાલિટી ગુજરાત સરકારે આપી છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ મળી રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. અંદાજે ૧૧૦૦ સીટો પી.જી. માટે થાય તે માટે પણ સરકારે કામ કર્યું છે. આગામી દર વર્ષે ૮૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટરની પદવી મેળવે તે મુજબ સરકારનું આયોજન છે. તેમણે પદવી મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતની એકમાત્ર પશુપાલકોની બનાસ મેડિકલ કોલેજમાં આજે ૫૦ ટકાની ફી માફી સાથે પશુપાલકોના વિદ્યાર્થીઓ ડોકટર બની રહ્યા છે જે ગૌરવની બાબત છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સાથે આધુનિક સુવિધાઓ અને શ્રેષ્ઠ મેડિકલ ફેકલ્ટી સાથે આજે બનાસ મેડિકલ કોલેજ દર વર્ષે ૫૦૦૦ જેટલા દર્દીઓની નિશુલ્ક તબીબી સારવાર આપે છે. પ્રતિ દિવસ ૧૭૦૦ થી ૧૮૦૦ જેટલી ઓ.પી.ડી, ૬૦૦ થી ૭૦૦ દર્દીઓની આઈ.પી.ડી, મહિના દરમિયાન ૫૫૦થી વધુ નિશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. આજે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ઓક્સિજન પ્લાન્ટ, લેબોરેટરી, એક્સ રે સહિતની તમામ ભૌતિક સુવિધાઓ દર્દીઓ માટે પૂરી પાડવામાં આવે છે. મેડિકલ કોલેજના ડીન ડૉ. રૂપમ ગુપ્તાએ મેડિકલ વિદ્યાર્થીઓને તબીબી શપથ લેવડાવ્યા હતા.