ખેડૂતોને ઘઉં માટે રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ મળશે
ખેડૂતોએ રવિ પાકોની ખરીદી માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત કરાવવી પડશે
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ સીઝન 2026-27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ટેકાના ભાવમાં વધારો કરી રૂ. 2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે, જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે.
જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માંગતા હોય, તેમના માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત રાખવામાં આવી છે. નોંધણી પ્રક્રિયા આજથી એટલે કે 1 ફેબ્રુઆરી, 2026 થી 1 માર્ચ, 2026 સુધી ચાલશે, જ્યારે ઘઉં તથા ચણા, રાયડો અને જીરા જેવા રવિ પાકોની ખરીદી 4 માર્ચથી 15 મે, 2026 દરમિયાન કરવામાં આવનાર છે જે માટે નોંધણી ગ્રામિણ કક્ષાએ વીસીએ મારફતે ઓનલાઇન કરાવી શકાશે આ નોધણી સમયે ખેડૂતોને અસલ આધાર કાર્ડની નકલ, અદ્યતન 7/12 અને 8-અના ઉતારા રજૂ કરવાના રહેશે. જો 7/12 માં વાવણીની નોંધ ન હોય તો તલાટી દ્વારા સહી-સિક્કાવાળો દાખલો જરૂરી રહેશે. ઉપરાંત, ખેડૂતના નામના બેંક ખાતાની માહિતી માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવો પડશે. નોંધણી દરમિયાન બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે અંગૂઠાનું નિશાન લેવાશે.
નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા ખરીદીના સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે. પાક વેચતી વખતે અસલ આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત રહેશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવશે. સમગ્ર ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે. નોંધણી સંબંધિત માહિતી માટે ખેડૂતો હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકશે.

