રાજધાની દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 250 રૂપિયા વધીને 1,13,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી, નબળા ડોલર અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે આ વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 34,050 રૂપિયા અથવા 43.12 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ, સોનાનો ભાવ 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે વધીને 1,13,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારે, સોનામાં 5080 રૂપિયાનો વધારો થયો હતો અને તે 1,12,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતું સોનું આજે ૨૫૦ રૂપિયા વધીને ૧,૧૨,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસના સીઈઓ ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, “સોનું રેકોર્ડ ઊંચાઈની નજીક ટ્રેડ થઈ રહ્યું છે, જેને નબળા પડતા યુએસ ડોલર ઇન્ડેક્સ, જે ૭ અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયો છે, અને આગામી મહિનાઓમાં વ્યાજ દરમાં તીવ્ર ઘટાડાની અપેક્ષાઓ વધી રહી છે, તેના કારણે ટેકો મળ્યો છે.
દરમિયાન, બુધવારે ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરથી 300 રૂપિયા ઘટીને 1,28,500 રૂપિયા પ્રતિ કિલો થયા હતા. મંગળવારે, ચાંદીના ભાવ 2,800 રૂપિયાના જંગી ઉછાળા સાથે 1,28,800 રૂપિયા પ્રતિ કિલોના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. દરમિયાન, વિદેશી બજારોમાં હાજર સોનાનો ભાવ 0.85 ટકા વધીને $3,657.09 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે તે $3,674.75 પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યો હતો.
વેન્ચુરાના કોમોડિટી ડેસ્ક અને સીઆરએમના વડા એન.એસ. રામાસ્વામીએ જણાવ્યું હતું કે, “ફ્રાન્સ, જાપાનમાં તાજા રાજકીય સંકટ અને રશિયા પર યુએસ પ્રતિબંધો વચ્ચે સોનાના ભાવ નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચી રહ્યા છે. આ ઉપરાંત, શુક્રવારે યુએસ રોજગાર અહેવાલ અપેક્ષા કરતાં નબળા આવ્યા પછી વ્યાજ દરમાં ઘટાડાની અટકળો વધુ તીવ્ર બની છે. સ્પોટ સિલ્વર 0.88 ટકા વધીને $41.23 પ્રતિ ઔંસ થયો છે.

