ગેસ ગિઝરથી મોતના વધતા જતા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન: પાલનપુર – આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી એક કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ. ગેસ ગિઝરથી ગૂંગળાઈ જવાથી મોતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે સમાજ માટે લાલ બત્તી સમી ઘટનામાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી બન્યું છે.
પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામ ના વેસા ગામનાના દુષ્યંતભાઇ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓની દીકરી દુર્વા મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી 15 મિનીટ સુધી બહાર પણ ન નીકળતાં તેણીની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, તે ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી. જેથી બાથરૂમનો દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી .આ ઘટના પાલનપુરમાં પ્રથમવાર બની નથી. અગાઉ પણ આવી ગોઝારી ઘટનાઓ બની ચુકી છે. છતાં લોકો તકેદારી રાખતા ન હોઈ નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. ત્યારે ગીઝરનો ઉપયોગ કરતા તેને લગતી સાવચેતી રાખવી પણ જરૂરી છે.
ગીઝરના ઉપયોગ સમયે જરૂરી તકેદારી રાખવી: ગીઝરનો ઉપયોગ કરતા લોકોએ કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જેમાં બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ના કરશો. બકેટને ગરમ પાણીથી ભરવા દો, ગીઝરની સ્વીચ બંધ કરો, અને પછી બારણું બંધ કરો. બાથરૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખો અને ન્હાતી વખતે વેન્ટિલેશન ખુલ્લું રાખો, સહુથી સારું તો એજ છે કે , ગેસ ગીઝર યુનિટ બાથરૂમની બહાર રાખો અને ગરમ પાણી અંદર જતી નળીથી જાય એવી વયવસ્થા કરવી જોઈએ. તેજ રીતે ઇલેકટ્રીક ગીઝર ચાલુ રાખી સ્નાન ન કરો જેનાથી પાણીમાં કરંટ પ્રસરવાની દહેશત રહેલી છે.