પાટણ એલસીબી પોલીસે પેસેન્જર બનીને ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે રાજુલાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોનાની મગમાળા, રોકડ રકમ અને રિક્ષા સહિત કુલ 3,21,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણના પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચના મુજબ એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં GJ27U9260 નંબરની રિક્ષા શંકાસ્પદ જણાતા પોલીસે હારીજ મુકામેથી બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં કનુભાઈ ભીખાભાઇ સોલંકી, મહેશભાઈ દડુભાઇ સોલંકી અને શાંતુબેન ઉર્ફે કાંતુબેન શંકરભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ રાજુલા, અમરેલીના રહેવાસી છે. આરોપીઓએ નાયતા ગામ પાસેથી એક દંપતીને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, તેમની નજર ચૂકવીને થેલામાંથી સોનાની મગમાળાની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 24.73 ગ્રામની સોનાની મગમાળા (કિંમત 2,07,360 રૂપિયા), 9000 રૂપિયાની રોકડ રકમ, બે મોબાઇલ ફોન (કિંમત 5,500 રૂપિયા) અને એક સીએનજી રિક્ષા (કિંમત 1,00,000 રૂપિયા) કબજે કરી છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


