બનાસકાંઠા જિલ્લામાં આજથી ગણેશ મહોત્સવનો શુભારંભ 

બનાસકાંઠા જિલ્લામાં આજથી ગણેશ મહોત્સવનો શુભારંભ 

લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે ભાદરવા સુદ ચોથથી દુંદાળા દેવ ભગવાન ગણેશજી મહોત્સવની શુભ શરૂઆત થશે.જેમાં ઠેરઠેર બંધાયેલા પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિની શુભ મુહૂર્તમાં સ્થાપના બાદ શ્રીજીની પૂજા અર્ચના અને ભક્તિ કરાશે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતના દરેક શહેરોમાં પણ ભાદરવા સુદ ૪ થી ગણેશ મહોત્સવ ઉમંગભેર ઉજવાય છે. જેમાં રાસ ગરબાની રમઝટ સહિત બાપાની ભક્તિ- આરાધના કરાય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર જેવા વિવિધ શહેરોમાં હાઈવે ઉપરની ફુટપાથ ઉપર કુશળ કારીગરો દ્વારા ભગવાન ગણેશજીની અવનવી ડિઝાઇનમાં મૂર્તિઓ આબેહુબ રંગરોગાન કરવામાં આવી છે ભાદરવા સુદ ચોથના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા,થરાદ, ભીલડી, વાવ, દિયોદર, ભાભર, લાખણી ખાતે શાનદાર રીતે ગણેશજીની મૂર્તિની દબદબાભેર સ્થાપના કરાશે.

કોરોના કાળ બાદ આવેલી લોક જાગૃતિના કારણે શુભ મુહૂર્તમાં માટીની મૂર્તિની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.કારીગરોએ પણ માટીની મૂર્તિમાં અદભુત રંગરોગાન કરી પ્લાસ્ટર ઓફ પેરિસને હંફાવે તેવી આબેહૂબ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે.સરકારની પર્યાવરણ જાળવણીની અપીલને લઈ આયોજકો પણ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો આગ્રહ રાખે છે. હાલ બજારોમાં 100 થી માંડી 2000 રૂ. સુધીમાં મૂર્તિઓ વેચાવા લાગી છે.

માટીના મૂર્તિની પૂજા શ્રેષ્ઠ; શાસ્ત્રી કિશોરકુમાર  ભમરાજી  વ્યાસ લાખણી વાળા એ જણાવ્યું કે, શાસ્ત્રોમાં માટીથી બનેલી મૂર્તિની પૂજા શ્રેષ્ઠ ગણાવવામાં આવી છે. માટીની મૂર્તિમાં પાંચ તત્ત્વો હોય છે. મૂર્તિ આ પાંચ તત્ત્વો એટલે કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશમાંથી બનેલી છે અને આપણું શરીર પણ આ પાંચ તત્ત્વોથી બનેલું છે. તેથી ગણેશ ઉત્સવ દરમિયાન પાંચ તત્ત્વોથી બનેલી ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ લાંબા સમય સુધી પાણીમાં ઓગળી શકતી નથી, જેના કારણે પાણી સાથે સાથે પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *