અફડાતફડી વચ્ચે દુકાનદારોમાં ભારે રોષ, જર્જરિત હાલત હોવા છતાં તંત્ર અને માલિકની બેદરકારી સામે સવાલ
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ જાણીતા જલાની શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. શોપિંગ સેન્ટરની ઉપરના ભાગે આવેલી વર્ષો જૂની અને જર્જરિત ગેલેરીની દીવાલ અચાનક ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડીસાના ગીચ બજારમાં આવેલ જલાની શોપિંગ સેન્ટરની દીવાલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઉભી હતી. ગત મોડી રાત્રે દીવાલનો મોટો હિસ્સો અચાનક જોરદાર ધડાકા સાથે નીચે તૂટી પડ્યો હતો. દીવાલ પડવાનો અવાજ થતા આસપાસના લોકો ભયના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. જો આ ઘટના દિવસના સમયે બની હોત, તો અનેક લોકોના જીવ જોખમાઈ શક્યા હોત.ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે દીવાલ લાંબા સમયથી જોખમી હાલતમાં હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.
જર્જરિત બાંધકામ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં તંત્ર કે માલિક દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. વર્ષો જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરો સામે પાલિકા તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા પ્રશ્નો હાલમાં ડીસાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે.

