લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે `ગૈર અને લૂર‘ નૃત્ય રમાય છે
ડીસા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલાં રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ હોળી-ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે. દિવાળી તો અટેકટે હોળી-ધૂળેટીનું પર્વ તો વતનમાં જ ઉજવણી કરે છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ કાળા-ગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગૃપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા બુધવારે ‘તિલક ધૂળેટી’ અને મારવાડી `ગૈર અને લૂર’ નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગત પોશાકમાં સજ્જ થઇ પુરૂષોએ `ગૈર નૃત્ય અને મહીલાઓના લૂર નૃત્ય’ એ આકર્ષણ જમાવ્યું હતું.
આ ઉપરાંત કુડાવાળી ઢાંણી, સ્કૂલવાળી ઢાંણી, મોટી ઢાંણીમાં કૈલાશ ટેકરી અને માલગઢ ગામની પરબડી (ક્રાન્તીનગર) મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા તેમજ ડીસાના કાંટ રોડ પર આવેલ જી.જી. વિદ્યા સંકુલમાં બુધવારે માળી સમાજ દ્વારા `તિલક ધૂળેટી’ અને મારવાડી `ગૈર અને લૂર’ નું આયોજન કરાતાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગત પોશાકમાં સજ્જ થઇ પુરૂષોએ `ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય’ ની મજા માણી હતી. જેમાં માળી સમાજ, અગ્રણીઓ, આગેવાનો અને તમામ કોમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજસ્થાનની જેમ જ હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે માલગઢ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા મારવાડી માળી સમાજ દ્વારા આ લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે `ગૈર અને લૂર’ નૃત્ય રમાય છે. જેમાં ગામના તમામ લોકો એક સંપ થઇ આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે ભારે જહેમત ઉઠાવે છે. જ્યારે નાના બાળકોને ઢુંઢાડવાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ ધાણી અને ગોળનો લ્હાવો લીધો હતો. જ્યારે આ વર્ષ 16 આની સારૂ રહેશે તેવો વર્તારો જોવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવિણભાઇ જી. માળી, ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, આગેવાનો, અગ્રણીઓ અને માળી સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે પુરૂષોએ ગૈર અને મહીલાઓએ લૂર નૃત્ય રમી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



