ગ્રામજનો દ્વારા જર્જરિત આગણવાડીને તોડી નવીન આંગણવાડી બનાવવાની માંગ; પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ ની જર્જરિત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોળી રહી છે.હાલ ચોમાસાની સીઝનમાં ગમે ત્યારે વધુ વરસાદ પડે તો જર્જરિત બનેલ આંગણવાડી ગમે ત્યારે જમીનદોસ્ત થવાની ભીતિ સેવાઇ રહી છે.
અનેક રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે ૩૦ થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પરિણામે, નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે. આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.ગ્રામજનોનો દ્વારા નવીન આંગણવાડી બનાવવાની માંગ કરાઈ છે.

