ટામેટાની આડમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો; થર્ટી ફર્સ્ટ ને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં છે. ત્યારે પોલીસ ની જુદી જુદી ટીમો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર રામપુરા ચોકડી પાસેથી ચાર લાખ થી વધુ રકમનો વિદેશી દારૂ સાથે એક ઈસમ ને પકડી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના હદ વિસ્તારમાં પોલીસને ટામેટા ભરેલ પીકઅપ ડાલામાં વિદેશી દારૂ હોવાની જાણકારી મળતા એલસીબી પોલીસની ટીમે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન રામપુરા ચોકડી પાસેથી પસાર થતા પીકઅપ ડાલામાં તપાસ કરતા ટામેટા ભરેલ કેરેટની આડ માં 2,340 નંગ વિદેશી બોટલ મળી આવી હતી .જેની કિંમત 4 લાખ 75 હજાર 536 સહિત અન્ય મુદ્દા માલ સાથે 7 લાખ 80 હજાર 536નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પિકપ ડાલાના ડ્રાઇવર ડુંગરજી રબારી ને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દારૂ નો જથ્થો ભરાવનાર આબુરોડના નિવાસી શ્રાવણસિંહ પરમાર સહિત અન્ય લોકોએ સંગઠિત થઈ સિન્ડિકેટ બનાવી થર્ટી ફર્સ્ટમાં આર્થિક લાભ લેવા માટે ચોરી છૂપીથી દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું.જેથી પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.