રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા અધિકારીને સર્વોચ્ચ પદની કમાન સોંપવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.
૧૯૯૩ બેચના મધ્યપ્રદેશ કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સોનાલી મિશ્રા ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ નિવૃત્તિ સુધી RPF ના મહાનિર્દેશક પદ પર રહેશે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ સોનાલી મિશ્રાની આ પદ પર નિમણૂકને મંજૂરી આપી છે.
તેઓ ૩૧ જુલાઈના રોજ નિવૃત્ત થનારા ડિરેક્ટર જનરલ મનોજ યાદવનું સ્થાન લેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનાલી મિશ્રા આરપીએફના વડા બનનાર પ્રથમ મહિલા અધિકારી હશે. આરપીએફને રેલ્વે સંપત્તિ અને મુસાફરોની સુરક્ષા સહિતની ફરજો સોંપવામાં આવી છે. હાલમાં, સોનાલી મિશ્રા મધ્યપ્રદેશ પોલીસમાં એડિશનલ ડિરેક્ટર જનરલ (પસંદગી) તરીકે તૈનાત છે.
૧૯૫૭માં સંસદના એક કાયદા દ્વારા રેલવે મિલકતની સુરક્ષા પૂરી પાડવા માટે આરપીએફની રચના કરવામાં આવી હતી. બાદમાં, ૧૯૬૬માં, આ દળને રેલવે મિલકત પર ગેરકાયદેસર કબજો કરનારા ગુનેગારોની તપાસ, ધરપકડ અને કાર્યવાહી કરવા માટે સત્તા આપવામાં આવી હતી. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૮૫ના રોજ, તેને “સંઘની સશસ્ત્ર દળ”નો દરજ્જો આપવામાં આવ્યો હતો.

