બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી પ્રથમ અંગદાન

બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી પ્રથમ અંગદાન

જનરલ હોસ્પિટના તબીબોના પ્રયાસોથી ૪૪ વર્ષીય કાંતિભાઈ ઠક્કરની કિડની, લીવર અને આંખોનું કરાયું અંગદાન

ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતરાત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે. બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેઈનડેડ થયેલા ૪૪ વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતા અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે જ્યારે જિલ્લામાં અત્યારસુધી ૧૧ થી વધુ અંગદાન થયા છે.

બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ જણાવ્યું કે, ડીસાના વતની ૪૪ વર્ષીય કાંતિભાઈ ઠક્કર કે જેઓ પાંચ દિવસ અગાઉ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયા હતા. કાંતિભાઈનું ગઈકાલે સાંજે બ્રેઈનડેડ થયેલું હતું. તેમના પરિવારનું કાઉન્સિલિંગ કરાતા તેમના સગા – સંબંધીઓએ અંગદાન કરવા માટે તૈયારી બતાવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરકારની મંજૂરી બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરાતા જનરલ હોસ્પિટના ડોકટરોની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ દ્વારા અંગદાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે તથા પાલનપુર- અમદાવાદ વચ્ચે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે.

તેમણે જણાવ્યું કે, કાંતિભાઈની કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે જેનાથી અન્ય ત્રણ લોકોને નવું જીવન મળશે. અંગદાન થકી કાંતિભાઈના આત્માને ખરા અર્થમાં શાંતિ મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ અંગદાન કરવા અપીલ કરી હતી જેનાથી અન્ય જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય અને સેવાનું કામ પણ કરી શકાય છે. આગામી સમયમાં જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વધુ અંગદાન થાય તે માટે જિલ્લાવાસીઓને અપીલ કરીને જનરલ હોસ્પિટલના ડોક્ટરોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

બ્રેઈનડેડ કાંતિભાઈના ભાઈ શૈલેષભાઈએ જણાવ્યું કે, તેમના ભાઈ પડી જવાથી હેમરેજ થયું હતું. સૌપ્રથમ તેઓ તેમના ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે લઈ ગયા હતા. વધુ સારવાર માટે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. ૩૧ જુલાઈ થી લઈને અત્યારસુધી જનરલ હોસ્પિટ પાલનપુરના ડોકટરોની ટીમ દ્વારા સઘન સારવાર અપાઈ હતી પરંતુ તેમનું જીવન બચાવી શકાયું નહીં. અમારા પરિવારે નક્કી કર્યું કે, કાંતિભાઈનો જીવ ભલે ના બચી શક્યો પરંતુ બીજા લોકોને અમે નવી જિંદગી આપી શકીએ છીએ જેથી અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી સારવાર તથા અંગદાન માટે પ્રોત્સાહન અને સાથ સહકાર મળ્યો હતો. દિલીપ દેશમુખ “દાદા”ના પ્રયત્નોથી છેલ્લા સાડા ચાર વર્ષથી અંગદાન જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *