ડીસામાં ફટાકડા લાઈસન્સનો મામલો ગરમાયો : પાલિકાના ફાયર વિભાગની તપાસમાં ખુલાસો

ડીસામાં ફટાકડા લાઈસન્સનો મામલો ગરમાયો : પાલિકાના ફાયર વિભાગની તપાસમાં ખુલાસો

સીટનો રિપોર્ટ અધ્ધરતાલ… ફટાકડા બ્લાસ્ટના ૨૩ મૃતકના પરિવારજનો હજી ન્યાયની પ્રતીક્ષામાં

​બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ડીસા શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ફટાકડાના હંગામી લાઇસન્સ ઇસ્યુ કરવાના મામલે ભારે ગરમાવો છવાયો છે. એક તરફ ડીસાના ઢૂવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટ કાંડમાં ૨૩ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાના ઘાવ હજી તાજા છે, તો બીજી તરફ લાઈસન્સ માટે વેપારીઓની અરજીઓથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.

​ડીસામાં અગાઉ થયેલા ફટાકડા બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે શહેરના તમામ ફટાકડાના લાઇસન્સ રદ કરી દીધા હતા અને ઘટનાની તપાસ માટે ખાસ સીટની રચના પણ કરી હતી. જો કે,આ અત્યંત ગંભીર દુર્ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સીટનો રિપોર્ટ હજી સુધી જાહેર થયો નથી. બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા ૨૩ પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ જાહેર ન થવાના કારણે સમગ્ર પ્રકરણની પારદર્શિતા અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

​આ સંવેદનશીલ મામલા વચ્ચે દિવાળીના તહેવારને લઈને રાજ્ય સરકારના નિયમો અનુસાર ફટાકડા વેચવા માંગતા વેપારીઓએ નાયબ કલેકટર કચેરી ખાતે હંગામી લાઈસન્સ મેળવવા માટે અરજીઓ કરી છે. જો કે, ડીસા બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ માટે નવી અને કડક ગાઇડલાઇન જાહેર કરી છે, જેને પગલે લાઇસન્સ ઇસ્યુ કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે.​લાઈસન્સની અરજીઓ પર ડીસા ઉત્તર, દક્ષિણ પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા પોતાનો અભિપ્રાય આપી દેવાયો છે. પરંતુ, સૌથી મોટો પ્રશ્ન નવી ગાઈડલાઈન મુજબની ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો છે.આજે ​સોમવારે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગે તંત્રની સૂચના મુજબ ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીને લઈને સઘન તપાસ હાથ ધરી હતી. આ બાબતે ફાયર ઓફિસર નરેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર, ચેકિંગ બાદનો વિગતવાર રિપોર્ટ નાયબ કલેક્ટરને સોંપવામાં આવશે. જો કે, આ તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે, અનેક દુકાનોમાં સરકારની ગાઈડલાઈન મુજબની ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા જ નથી. જ્યારે માત્ર ગણતરીની દુકાનોમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ છે.જેને લઈ દિવાળી નજીક છે છતાં લાઇસન્સનો મામલો ગરમાયો છે.

​ગીચ બજારમાં સ્ટોલ સુરક્ષિત નથી, શહેર બહાર ખસેડવાની માંગ

​ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે શહેરીજનોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા પ્રસરી છે. ડીસા શહેરનો બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને ભરચક છે. આ વિસ્તારમાં જો ફટાકડાના સ્ટોલને મંજૂરી આપવામાં આવે તો, ભૂતકાળની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, તે ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે તેમ છે. સુરક્ષાની દ્રષ્ટિએ, શહેરીજનોમાંથી ફટાકડાના સ્ટોલને બજારના ગીચ વિસ્તાર કરતાં શહેરથી દૂર સલામત જગ્યાએ રાખવાની માંગણી ઉઠી છે.

નાયબ કલેકટરના નિર્ણય પર નજર…

​એક તરફ ભયાવહ બ્લાસ્ટ દુર્ઘટનાના પડઘા અને અધ્ધરતાલ સીટ રિપોર્ટ, બીજી તરફ કડક ફાયર ગાઇડ લાઇન અને બજારની ગીચતા – આ તમામ પરિબળોને કારણે નાયબ કલેકટરને લાઇસન્સ ઇસ્યુ કરવાનો નિર્ણય લેવો કપરો બન્યો છે. હાલમાં ફટાકડા વેચાણ માટે લાઈસન્સ મેળવવા વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે નાયબ કલેકટર લોકોની સુરક્ષા અને વેપારી હિતો વચ્ચે સમન્વય સાધીને ક્યારે અને કઈ શરતો સાથે લાઇસન્સ ઇસ્યુ કરવાનો અંતિમ નિર્ણય લે છે ? તેના પર સૌની નજર ટકેલી છે.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *