દિલ્હીથી ઇન્દોર જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં આગ લાગવાના સમાચારથી હંગામો મચી ગયો હતો. કટોકટીની સ્થિતિમાં વિમાનને દિલ્હીના IGI એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતારવામાં આવ્યું છે. મુસાફરોને બીજા વિમાન દ્વારા ઇન્દોર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી એરપોર્ટથી ઈન્દોર માટે વિમાન ઉડાન ભરતાની સાથે જ પાયલટને કોઈ ખતરાની શંકા ગઈ. અચાનક કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેતો મળવા લાગ્યા. આ જોઈને કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. પાયલટે તાત્કાલિક વિમાનને પાછું ફેરવવાનો નિર્ણય લીધો અને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એટીસીને જાણ કરી. આ પછી, વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. હાલમાં, વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ દિલ્હીથી ઇન્દોર જતી ફ્લાઇટ AI2913, ટેકઓફ પછી તરત જ દિલ્હી પાછી ફરી હતી કારણ કે કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાની સૂચના મળી હતી. માનક પ્રક્રિયાને અનુસરીને, કોકપીટ ક્રૂએ એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો અને દિલ્હી પરત ફર્યા, જ્યાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાનને નિરીક્ષણ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે, અને મુસાફરોને વૈકલ્પિક વિમાનમાં ખસેડવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં ઇન્દોર ફ્લાઇટનું સંચાલન કરશે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છે.

