સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનપુર ખાતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘ક્ષેત્ર સ્તરીય નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ’ RBI ના પ્રાદેશિક નિર્દેશકની અધ્યક્ષતામાં યોજાયો હતો.આ પ્રસંગે પ્રાદેશિક નિદેશકે જણાવ્યું કે, ભારત જેવી ઝડપી રીતે વિકસતા અર્થવ્યવસ્થામાં નાણાકીય સાક્ષરતા હવે વૈકલ્પિક રહી નથી, પરંતુ દરેક નાગરિક માટે આવશ્યક બની ગઈ છે. નાણાકીય જાગૃતિ લોકોમાં ખર્ચને પ્રાથમિકતા આપવાની, તાત્કાલિક પરિસ્થિતિઓ તેમજ દીર્ઘકાલીન લક્ષ્યો માટે બચત કરવાની, લોન, વીમા અને રોકાણ જેવા નાણાકીય ઉત્પાદનોને સમજવાની તથા વધતી ડિજિટલ નાણાકીય વ્યવસ્થામાં ઠગાઈ અને ફ્રોડથી પોતાને સુરક્ષિત રાખવાની ક્ષમતા વિકસાવે છે.
RBI દ્વારા ચલાવવામાં આવતી જનજાગૃતિ પહેલોને ઉજાગર કરતા પ્રાદેશિક નિર્દેશકે જણાવ્યું કે, સપ્ટેમ્બર 2025થી પંચાયત સ્તરે નિષ્ક્રિય ખાતાઓ માટે રાષ્ટ્રવ્યાપી KYC/રી-KYC અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન આવનારા નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ પણ રહેશે અને વર્ષભર તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ જમાકર્તાઓને તેમના નિષ્ક્રિય બેંક ખાતાઓમાં પડેલા બિનદાવેદાર પરિશ્રમથી કમાયેલા નાણાંને રી-KYC પૂર્ણ કરીને ખાતા સક્રિય બનાવી પાછા મેળવવામાં સહાય કરવાનો છે. તેમણે નાગરિકોને RBIના UDGAM પોર્ટલ દ્વારા કોઈ બિનદાવેદાર જમા રકમ છે કે નહીં તે તપાસવા પણ પ્રોત્સાહિત કર્યા હતા.
સાઇબર અપરાધોમાં થયેલા તીવ્ર વધારા અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રાદેશિક નિદેશકે નાગરિકોને ડિજિટલ નાણાકીય સેવાઓનો ઉપયોગ કરતી વખતે સચેત અને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓએ ભાગ લેનારાઓ માટે વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ઇન્ટરએક્ટિવ જાગૃતિ સત્રોનું આયોજન કર્યું હતું.

