પૂર્વ ચેરમેન અને મંત્રી સામ-સામે લડતા, બંને ઈજાગ્રસ્ત
ડીસા તાલુકાના વાસણા ગામે આવેલી બનાસ ડેરી સંચાલિત દૂધ મંડળીમાં દૂધના ભાવ વધારાને લઈને યોજાયેલી વાર્ષિક સાધારણ સભા બાદ મામલો ગરમાયો હતો. અને પૂર્વ ચેરમેન અને વર્તમાન મંત્રીના જૂથો વચ્ચે સામ-સામે હુમલો થયો હતો, જેમાં બંને પક્ષના અગ્રણીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે આ હુમલાનું મૂળ કારણ ભાવ વધારો નહીં, પરંતુ ગત વર્ષે મંડળીમાં થયેલા રૂ. ૯૨ લાખ આસપાસની ઉચાપતના આક્ષેપો છે. ઉચાપતના આક્ષેપોને પગલે મંડળી પાંચ દિવસ બંધ રહી હતી. અને બનાસ ડેરીના અધિકારીઓએ તપાસ કરી હતી. આ વિવાદની અંગત અદાવત આજે ભાવ વધારાની સાધારણ સભા પત્યા બાદ બહાર આવી હતી.
સામ-સામે હુમલા અને આક્ષેપો
સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ મંડળીના મંત્રી રસિકભાઈ અને પૂર્વ ચેરમેન પોપટ ભરવાડના જૂથો વચ્ચે ઝઘડો થયો હતો.મંત્રી રસિકભાઈનો આક્ષેપ : તેમણે પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા મંડળીની અંદરના રૂમમાં માર મારવાનો આક્ષેપ કર્યો હતો. મંત્રીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, હુમલા દરમિયાન તેમની પાસેથી રૂ. ૫૦,૦૦૦ રોકડા અને એક સોનાની ચેઇનની લૂંટ કરવામાં આવી છે. પૂર્વ ચેરમેન પોપટ ભરવાડનો આક્ષેપ: સામે પક્ષે, પૂર્વ ચેરમેન પોપટ ભરવાડે પણ મંત્રી જૂથ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના અને લૂંટ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. હુમલાના પગલે ૧૧૨ પર કોલ કરવામાં આવતા ૧૦૮ વાન વાસણા દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત મંત્રી રસિકભાઈ તેમજ પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસમાં સામસામે ફરિયાદ, CCTV ફૂટેજ તપાસનો માર્ગ
આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા સામ-સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તમામ વિગતોની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે મંડળીના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરે તો જ હુમલાની અને લૂંટના આક્ષેપોની સત્યતા બહાર આવે તેવી શક્યતા છે.

