ડીસા માર્કેટયાર્ડમાં ‘કડદા પ્રથા’ નો ઉગ્ર વિરોધ

ડીસા માર્કેટયાર્ડમાં ‘કડદા પ્રથા’ નો ઉગ્ર વિરોધ

 આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવાયું

બોટાદની ઘટના બાદ બનાસકાંઠામાં પણ આક્રોશ, સરકારી આદેશના પાલન માટે રજૂઆત

સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ જગાવનારી માર્કેટયાર્ડમાં ચાલતી ‘કડદા પ્રથા’ ને લઈને હવે બનાસકાંઠાનું ડીસા માર્કેટયાર્ડ પણ આંદોલનના સકંજામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટયાર્ડમાં કડદા પ્રથાના વિરોધમાં થયેલા ઉગ્ર આંદોલન અને ત્યારબાદ હડદડ ગામે યોજાયેલી ખેડૂતોની મહા પંચાયતમાં પોલીસના લાઠીચાર્જમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ખેડૂત નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત ૮૦ થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને કેટલાક હાલમાં જેલમાં છે.

​આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે, ડીસા માર્કેટયાર્ડમાં પણ કડદા પ્રથા ચાલતી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને પગલે આજે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ખેડૂતો સાથે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.તેમજ ​તાત્કાલિક ધોરણે કડદા પ્રથા બંધ કરાવવાની માંગ કરી હતી. આ પ્રસંગે ​આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કરની આગેવાની હેઠળ આપના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માર્કેટયાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારના આદેશ અનુસાર માર્કેટયાર્ડમાં ગેરકાયદેસર ચાલતી કડદા પ્રથા તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે.

​કડદા પ્રથાના વિરોધની સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા અન્ય એક મહત્ત્વની માંગ પણ રજૂ કરવામાં આવી હતી. તેમણે માંગ કરી હતી કે, રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવની જે જાહેરાત કરી છે, તે અનુસાર ડીસા માર્કેટયાર્ડમાં તાત્કાલિક ધોરણે મગફળીની ખરીદી પણ શરૂ કરવામાં આવે. ​આ આવેદનપત્ર પાઠવતી વખતે ‘જય જવાન, જય કિસાન’ ના નારા સાથે આપના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, વોર્ડ નં. ૪ ના સદસ્ય વિજયભાઈ દવે, જિલ્લા મહામંત્રી સુરેશભાઈ દેવડા, એડવોકેટ નવીનભાઈ પરમાર સહિત અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સરકાર પર કડદા પ્રથા નાબૂદીનું દબાણ…

ડીસા માર્કેટયાર્ડમાં થયેલા આ વિરોધ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે બોટાદની ઘટના બાદ હવે ખેડૂતોમાં કડદા પ્રથા વિરુદ્ધનો આક્રોશ અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે.જેના પગલે સરકાર પર આ ગેરકાયદે પ્રથાને સદંતર નાબૂદ કરવાનું દબાણ પણ વધી રહ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *