બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો

બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો

બનાસકાંઠાના કોઈ ક્રિકેટરને હવે અન્યાય નહીં થાય : શશીકાંત પંડ્યા

બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની 14 વર્ષથી ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ નિયુક્તિ થતા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આઇપીએલના ચેન્નઈ સુપર કિંગ્સ ઇલેવનના પ્લેયર ઉર્વીલ પટેલની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો.સન્માન સમારોહમાં બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ શશીકાંત પંડ્યાએ તેઓના વિરોધીઓને સણસણતો જવાબ આપી હવેથી જિલ્લાના કોઈ ક્રિકેટરને અન્યાય નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ માટે 14 વર્ષ બાદ ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાની કુલ 94 માંથી 82 સભ્યોની સંમતિ સાથે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે એસોસિએશનના મહામંત્રી તરીકે રણજી ટ્રોફીના પૂર્વ પ્લેયર દિલીપસિંહ હડીયોલની પણ બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી.

ત્યારે આજે ડીસા સ્પોર્ટસ ક્લબ ખાતે અધ્યક્ષ શશીકાંત પંડ્યાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં આઈપીએલના લોકપ્રિય અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના પ્લેયર ઉર્વીલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શશીકાંત પંડ્યાનું ડીસાની વિવિધ સ્વૈચ્છિક, સામાજિક તેમજ રમતગમત ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ સહિત રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો અને શુભેચ્છકોએ ફૂલ, બુકે, સાલ તેમજ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ક્રિકેટર ઉર્વીલ પટેલે આવા જાહેર મંચ પરથી પોતાનું પ્રથમ વખત સન્માન થયું હોવાનું જણાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ખેલદિલીની ભાવનાની જીત : શશીકાંત પંડ્યા

બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, એસોસિએશનની ચૂંટણી જાહેર થતાં તેમજ પોતાનું નામ પ્રમુખ તરીકે આવતા અનેક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અને પોતાને પ્રમુખ તરીકે ન આવવા દેવા ચેરીટી કમિશનર અને હાઇકોર્ટ સુધી રજૂઆતો કરવા દોડધામ મચાવી હતી. પરંતુ પોતે ખેલદિલીની ભાવનાથી સેવા કરવા નીકળ્યા હોઇ ઈશ્વરે આખરે તેઓને સાથ આપ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી બનાસકાંઠાના ક્રિકેટરોને અન્યાય કરવામાં આવ્યો છે પરંતુ હવે કોઈપણ ટેલેન્ટ વાળા કે સ્કિલવાળા ક્રિકેટરને કોઈ પ્રકારનો અન્યાય થવા દેવામાં આવશે નહીં અને જિલ્લાના ક્રિકેટરોના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરો વધુમાં વધુ સિલેક્ટ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *