જિલ્લામાં ૭૦ ટકાથી વધુ ખેડૂતો ખરીફ સીઝનની વાવણી પણ કરી શક્યા નથી
૩૦ થી ૪૦ ટકા ખેડૂતો ઉનાળુ સીઝનના પાક લેવાથી વંચિત | મગફળી સહિત બાજરીના પાકને સૌથી વધુ નુકસાન
બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જીવનધોરણ રહેલુ છે. ત્યારે ખેતીના પાકો ને સતત વરસી રહેલા વરસાદને કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા પંદરથી વીસ દિવસથી શરૂ થયેલ વરસાદ જીલ્લા ત્રણ ચાર સેન્ટરોમાં સારો વરસાદ થયો છે. બાકીના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ સતત વરસી રહ્યો છે એટલે કે ખેડૂતોની એક જ વ્યથા છે કે વરસાદ વધારે પડતો પણ નથી કે બંધ પણ થતો નથી જેથી ખેતી કામ પણ થતું નથી. અને બન્ને સિઝનમાં ખેડૂતોને વરસાદના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ જીલ્લા માં હજુ ૭૦ ટકા વધુ ખેડૂતો ખરીફ સીઝનનું વાવેતર પણ કરી શક્યા નથી. આ ઉપરાંત ૩૦ થી ૪૦ ટકા ખેડૂતોએ ઉનાળુ સીઝનના પાકો જેવા કે ઉનાળુ મગફળી અને બાજરીનો પાક ખેતરોમાં ઊભો છે અથવા તો કાપણી કરેલ ખેતરો માં પડેલ છે જેથી વરસાદના કારણે ખેડૂતોને બન્ને બાજુ નુકસાન થઈ રહ્યું છે જીલ્લાના ખેડૂતોએ આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.
ખેડૂતો વરાપ નિકળે તેની રાહ જોઈ રહ્યા છે
આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે સતત વરસી રહેલો વરસાદ વચ્ચે હવે ખેડૂતો વરસાદનો વિરામ લે તેવુ ચાહી રહયા છે. વરાપ નિકળે તો ખેતી કામ કરી શકાય પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત સામાન્ય થી મધ્યમ વરસાદ ઠેરઠેર ચાલુ રહેતા ખેડુત વર્ગ ચિંતામાં રહેલો છે.
ખેતરોમાં મગફળી અને બાજરીનો પાક સડી જવા પામ્યો
બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઉનાળુ મગફળી અને બાજરીની કાપણી કરેલ છે જે પાક સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો લઇ ન શકતા પાકો ખેતરોમાં જ સડી જવા પામ્યા છે. જ્યારે કેટલાંક ખેડૂતો વરસાદ વચ્ચે પણ પાકને વિવિધ અજમાઇશો કરી મથામણ કરી રહ્યા છે.
સતત વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં તળાવો ચેકડેમો ખાલીખમ
વરસાદ આવે એટલે દરેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળતો છે અને વરસાદના કારણે જળાશયો તળાવો ચેકડેમો ભરાય એટલે સોનામાં સુગંધ ભળે તેવું હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા તળાવો ચેકડેમો ખાલીખમ જોવાં મળી રહ્યા છે જીલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમમાં પણ સામાન્ય પાણીનો આવ્યો થવા પામ્યો છે .



