પાંચ તાલુકાના ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું; બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે જીવાદોરી રૂપ નીવડી છે પણ હાલમાં સરસ્વતીના વાયડ ગામે સુજલામ સુફલામ કેનાલમાં ગેરકાયદેસર આડ બંધ બાંધી આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ અવરોધવાનો ખેલ ખેલાતા લાલઘૂમ બનેલા ખેડૂતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી છેક મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે ભૂગર્ભ જળ તળીયે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સુજલામ સુફલામ કેનાલ કાંકરેજ, દિયોદર, થરાદ,ડીસા અને લાખણીના ખેડૂતો માટે જીવાદોરી પુરવાર થઈ છે કારણ તેનાથી આ વિસ્તારોમાં પાણી જમીનમાં ઉતારતા ભૂગર્ભ જળ જળવાઈ રહે છે. પણ કેનાલના પાણીને દાંતીવાડા ડેમમાં નાખીને સિંચાઇ માટે પાટણ જિલ્લાને પાણી આપવાનુ ષડયંત્ર સામે આવેલ છે. આ બાબતે જસાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર સરસ્વતી તાલુકાના વાયડ ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના કેટલાક અધિકારી અને સંકળાયેલા કોન્ટ્રકટરો ગેરકાયદે આડ બંધ બાંધી રહ્યા છે. જેના કારણે કડાણા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં વિઘ્ન ઉભું થાય તેમ છે. જેથી પૂર્વ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહી જશે. ત્યારે તાત્કાલિક અસરથી આડ બંધનું કામ રોકી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તેમણે મુખ્યમંત્રીને રજુઆત પણ કરી છે.

