સાંતલપુરના ખેડૂતપુત્રે IAS બનવાનું સપનું સાકાર કર્યું

સાંતલપુરના ખેડૂતપુત્રે IAS બનવાનું સપનું સાકાર કર્યું

માત-પિતાનો સંઘર્ષ રંગ લાવ્યો વિપુલ ચૌધરીએ UPSCમાં 115 મો રેન્ક મેળવ્યો..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી હમીરપુરા ગામના ખેડૂત પુત્ર વિપુલ ચૌધરીએ UPSC પરીક્ષામાં 115 મો રેન્ક પ્રાપ્ત કરી પોતાનું IAS બનવાનું સપનું સાકાર કરી પોતાના પરિવાર સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અગાઉ IPS તરીકે પસંદગી પામ્યા હોવા છતાં, IAS બનવાના લક્ષ્ય સાથે તેમણે મહેનત ચાલુ રાખી હતી. પરિણામ જાહેર થતાં જ પરિવાર અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

પાકિસ્તાન સરહદને અડીને આવેલું હમીરપુરા ગામ સુવિધાઓની દ્રષ્ટિએ પછાત ગણાય છે. અહીં માત્ર પ્રાથમિક શિક્ષણની જ સુવિધા ઉપલબ્ધ છે, અને ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ મધ્યમવર્ગીય ખેડૂત પરિવારના દીકરા વિપુલ કરમણભાઈ ચૌધરીએ કઠોર પરિશ્રમ દ્વારા આ સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિથી સરહદી વિસ્તારના ખેડૂત પરિવારોમાં ગૌરવની લાગણી વ્યાપી છે. વિપુલ ચૌધરીએ પોતાની સફર વિશે જણાવ્યું કે, શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે પરિણામ મળવામાં વિલંબ થયો હતો. જોકે, દ્રઢ નિશ્ચયને કારણે આજે તેમને સફળતા મળી છે. તેમણે વર્ષ 2015માં એક શિક્ષક સાથેની ચર્ચા બાદ IAS બનવાનું નક્કી કર્યું હતું. અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તૈયારીઓ શરૂ કરી હતી.

અગાઉની પરીક્ષામાં 348મો રેન્ક મેળવી તેઓ IPS બન્યા હતા, પરંતુ તેમનું મુખ્ય લક્ષ્ય IAS બનવાનું હોવાથી તેમણે નોકરીની સાથે મહેનત ચાલુ રાખી હતી. આજના યુવાનોને સંદેશ આપતા વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, પોતાની મહેનત પર ભરોસો રાખવાથી મોડું તો મોડું પણ ચોક્કસ પરિણામ મળે છે. વિપુલની સફળતા પાછળ તેમના માતા-પિતાનો સંઘર્ષ પણ એટલો જ મહત્વનો રહ્યો છે. પિતા કરમણભાઈએ જણાવ્યું કે વિપુલ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતો. અને તેનું લક્ષ્ય ઉચ્ચ અધિકારી બનવાનું હતું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં વિપુલને ભણાવવા માટે પરિવારે પશુપાલન કર્યું હતું અને અન્યની જમીન ભાગે રાખીને ખેતીકામ કર્યું હતું. માતા મીઠીબેને ઉમેર્યું કે, દીકરો જ્યારે આખી રાત વાંચતો ત્યારે તેઓ પણ તેની સાથે જાગતા હતા. માતા-પિતાના આ ત્યાગ અને દીકરાની અવિરત મહેનતને કારણે આજે હમીરપુરાનું નામ દેશના નકશા પર ચમક્યું હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *