પિયત પાણીના અભાવે ઉનાળામાં ખેતરો ખાલી રાખવાનો વારો; લાખણી તાલુકામાં પિયત પાણીની અપૂરતી સવલતો વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકોના વાવેતરમાં પરોવાયા છે. પરંતુ ખરા તકડે સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મુખ્યત્વે ખાવા માટે ઉપયોગી બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે. ત્યારે લાખણી તાલુકાની જમીન ધોરાવાળી છે. જેના કારણે ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ઊંડા છે. અહીં 1000 થી 1200 ફૂટના બોર પણ પાણી ઉલેચતા નથી. અને ફેલ જાય છે.જેના કારણે પિયત પાણીનો પ્રશ્ન ગંભીર છે. જેથી ઉનાળામાં ખેડૂતો પાણીની સમસ્યાને લઈ મોટાભાગના ખેતરો ખાલી છોડી ખપ પૂરતું બાજરીનું વાવેતર કરે છે કારણ કાળઝાળ ગરમીમાં બધા ખેતરોમાં પિયતને પહોંચી વળાય તેમ નથી.વળી, બાજરીના પૂળા પશુઓ માટે ઘાસચારાનો વિકલ્પ પૂરો પાડે છે. એ સિવાય પણ પશુઓ માટે ખેડૂતો રજકા બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કરવા લાગ્યા છે. પરંતુ છેલ્લા 10 દિવસથી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
સુજલામ સુફલામ નર્મદા કાચી કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ; આ બાબતે જશાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કાચી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ભૂગર્ભ જળ જળવાઈ રહે તેમ છે પણ પાણી બંધ કરાતા ખેડૂતોએ વાવેલ બાજરી સહિત ઘાસચારો બળી જશે. તેથી ખેડૂતોને પશુઓ સાથે ગામમાંથી ઉચાળા ભરવા પડશે. જેના કારણે ખેડૂતોના હિતમાં કેનાલમાં પાણી ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે. તેમછતાં સરકાર કે તંત્ર અમારી વ્યાજબી રજુઆત નહીં સાંભળે તો નાછૂટકે ખેડૂતોને સાથે રાખી અમારે આંદોલન કરવું પડશે.