દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ખેડૂતોને પણ નાણાંની જરૂરિયાત હોય ખેતરમાંથી બહાર કાઢેલ મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સાબરકાંઠા માર્કેટ યાર્ડમાં રૂ.900 થી 1500ના ભાવે પણ વેચાણ થયું છે.
વ્યાપારીઓ દ્વારા દિવાળીનો સમય નજીક આવી ગયો હોય ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો હોવાનો ખેડૂતો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે.હિંમતનગર માર્કેટ યાર્ડમાં 3 દિવસમાં 25 હજાર ક્વિન્ટલ મગફળીની રૂ. 900 થી 1500ના ભાવે ખરીદી કરાઇ છે. જેમાં ટેકાના ભાવ 1452 હોવા છતાં રૂ.900થી શરૂઆત કરવાની અને 1100 ની આજુબાજુમાં ભાવ અપાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.હિંમતનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂ. 900 થી 1500 ના ભાવે 25000 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ છે તમામ યાર્ડોમાં મબલખ ખરીદી થઈ રહી છે પરંતુ ગણ્યા ગાંઠયા લોકોને ઊંચા ભાવ મળ્યા છે.ઇડરના ચિત્રોડાના અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે વ્યાપારીઓ દ્વારા ખેડૂતો સાથે સીધી લૂંટ કરાઇ રહી છે.
10 મણ થી 25 મણ સુધીની મગફળી લઈને આવનારને 1400-1500 સુધીના ભાવ આપી દેવાના અને વધુ જથ્થો લઈને આવનાર ખેડૂતને ટેકાના ભાવ 1452 હોવા છતાં રૂ.900 થી શરૂઆત કરવાની અને 1100 ની આજુબાજુમાં પતાવી દેવાનું મારી મગફળી ઇડરમાં 1130 રૂપિયામાં વેચ્યા બાદ બીજો જથ્થો ડાયરેક્ટ મિલમાં વેચાણ કરતાં એ જ મગફળીનો રૂ.1270 ભાવ મળ્યો હતો .જો કે આ ભાવ પણ ટેકાના ભાવ કરતાં ઓછો હતો પરંતુ માર્કેટ કરતાં 140 રૂપિયા વધુ મળ્યા હતા.

