બાળકોના ઉજવ્વલ ભવિષ્ય માટે ઘરનો તમામ ભાર પોતાના ખભે ઉપાડયા; ગઈકાલનો દિવસ વિશ્વભરમાં માતૃ દિવસ તરીકે ઉજવાયો હતો ત્યારે ધાનેરા તાલુકાના સરાલ ગામના વારીબેન ચૌધરીએ પોતાના જીવનસાથીને ગુમાવ્યા બાદ પણ હાર ન માની પોતાના બે બાળકોના બાળકોના ઉજવ્વલ ભવિષ્ય માટે ઘરનો તમામ ભાર પોતાના ખભે ઉપાડી રાત દિવસ મહેનત કરી સમાજ માટે એક જીવંત પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
વિશ્વભરમાં ઉજવાતો માતૃ દિવસ જે માતાના ત્યાગ, પ્રેમ અને સાહસને સમર્પિત છે. ભારત દેશ પણ આ અવસરે માતૃત્વના પવિત્ર રૂપને વંદન કરે છે. ધાનેરા તાલુકાના સરાલ ગામની વારીબેન ચૌધરી આવા જ એક અનોખા ઉદાહરણરૂપ જીવંત પ્રેરણાસ્ત્રોત સમાન બન્યા છે. વર્ષ ૨૦૨૦માં વારીબેનના પતિ મફાભાઈ ચૌધરીનું અવસાન થયું હતું. જીવનસાથી ગુમાવ્યા બાદ મોટા ભાગે મહિલાઓ તૂટી પડે છે, પણ વારીબેનએ હાર ન માની અને પોતાના બે બાળકોના ભવિષ્યને ઉજળું બનાવવા માટે તેઓએ ઘરના તમામ ભાર પોતાના ખભે ઉપાડયા. પશુપાલન વ્યવસાય એ વારીબેન માટે માત્ર આવકનું સાધન નથી, પણ બાળકોના સપનાને સાકાર કરવાનું સાધન બની ગયું છે. રોજ સવારથી દૂધ દોવા, પશુઓને ચારો આપવો, અને પછી પોતે જીપ કેમ્પર ચલાવી સ્થાનિક દૂધ મંડળીમાં દૂધ ભરાવવાનું કામ – આ બધું તેઓ નિરંતર કરે છે. વારીબેનની દીકરી અમદાવાદમાં અભ્યાસ કરે છે અને નાનો દીકરો ધાનેરામાં અભ્યાસ કરે છે. બંનેને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને પિતાની ખોટ ન પડે તે માટે વારીબેન સતત મહેનત કરે છે.
બનાસડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીએ પણ વારીબેનના ઘેર જઈ તેમના કાર્યને વંદન કર્યું હતું અને આ માતૃ દિવસ પર સમગ્ર જિલ્લામાંની માતાઓને શુભેચ્છાઓ પાઠવી. સ્ત્રીના અનેક રૂપ હોય છે, પણ માતા રૂપ એ સૌથી ઊંડો અને નિર્મલ છે. વારીબેન જેવી માતાઓ સમાજ માટે એક જીવંત પ્રેરણા છે. તેમને માત્ર માતૃ દિવસના દિવસે, પણ જીવનના દરેક દિવસે સન્માન આપવો જોઈએ.સૌ માતાઓને માતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ – ખાસ કરીને વારીબેનને, જેમણે સાહસ, પ્રેમ અને જીવનનાં સત્ય અર્થો વ્યક્ત કર્યા છે.


