બનાસડેરી બાદ બનાસ બેંક પર શંકર ચૌધરીનો દબદબો: બનાસ બેંક બની પાટણ બેંક
બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા “બનાસ બેંક”ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજરોજ પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન પદે ડાયાભાઈ પીલિયાતર અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદ ની સૌથી મોટી સહકારી સંસ્થા “બનાસ બેંક”ની બીજી ટર્મના ચેરમેન માટે આજે પાલનપુર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ભાજપ અગ્રણી ડાયાભાઈ પીલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા ગોવિંદભાઈ પરમારની સર્વાનુમત્તે વરણી કરાઇ હતી. નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલીયાતરે પોતાની પસંદગી કરવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ બનાસ બેંક ખેડૂતોની બેંક બની રહે તે માટે ખેડૂતોના હિત માં કાર્ય કરવાની ખાત્રી આપી હતી.
આમ, બનાસ બેંકની ચૂંટણીમાં સહકારી અગ્રણી અને વિધાન સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હાથ ઉપર રહેતા તેઓના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
વાઇસ ચેરમેને અનુભવ્યો સુખદ આંચકો: બનાસ બેંકના નવનિયુક્ત વાઇસ ચેરમેન કેશુભા પરમારે પોતે ઉમેદવારી નોંધાવી ન હોવા છતાં અને તેઓએ અન્ય ઉમેદવારોની ભલામણ કરી હોવા છતાં મેન્ડેટ આપવા બદલ સુખદ આંચકો અનુભવતા ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસ બેંક પર પાટણનું પ્રભુત્વ: બનાસ બેંકના સુકાનીઓમાં વિધાન સભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીનો દબદબો જોવા મળ્યો હતો. બનાસ બેંકના ચેરમેન તરીકે શંકરભાઇ ચૌધરીના અંગત વિશ્વાસુ એવા બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કાંકરેજના ડાયાભાઈ પીલિયાતર જ્યારે વાઇસ ચેરમેન પદે ભાજપ ના કાર્યકર રાધપુરના કેશુભા પરમારને ભાજપે મેન્ડેટ આપ્યો હતો. આમ, બનાસ બેંકના સુકાનીઓ પાટણ લોકસભા ક્ષેત્ર ના કાંકરેજ અને રાધનપુરના હોઈ બનાસ બેંક પર પાટણના પ્રભુત્વ સાથે બનાસ બેંક પાટણ બેંક બની હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો.